Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરસદના 2 તબીબોનો બહિષ્કાર કરવાની પોસ્ટ કરનાર સામે રોષ
સીએએનાં મુદ્દે સમર્થન કરનારા બોરસદનાં 2 તબીબો અને વડોદરા, હાલોલનાં તબીબો સહિત 13 તબીબોનો બહિષ્કાર કરવા માટે મુસ્લિમ સમાજને ભડકાવતી પોષ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરી હિન્દુ તબીબો અને મુસ્લિમ કોમ વચ્ચે વૈમન્સય અને દુશ્મનાવટ પેદા થાય તેવું ધૃણાજનક કૃત્ય કરનાર બોરસદની હનિફા સ્કૂલનાં ડાયરેક્ટર ઝુબેર ગોપલાણી સામે બોરસદનાં તબીબોમાં પણ રોષ ફાટી નિકળ્યો છે, અને ઈન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.
બોરસદ મેડીકલ એશોસીએશન દ્વારા કોમી એકતાને ઠેસ પહોંચાડીને બોરસદનાં નામાંકિત તબીબો પર ખોટા આક્ષેપો કરી મુસ્લિમ સમાજમાં તબીબોનો બહિષ્કાર કરવા માટે વોટ્સઅપ, ટ્વીટર અને ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયામાં પોષ્ટ ફરતી કરીને તબીબોને બદનામ કરવાનું જે કૃત્ય આચરાયું હતું તેને વખોડી કાઢી આવા બેજવાબદારીભર્યા કૃત્ય પ્રત્યે રોષ પ્રગટ કર્યો હતો.
તાજેતરમાં સીએએનું બીલ રાજયસભામાં પસાર થયા બાદ બોરસદની હનિફા સ્કૂલનાં ડાયરેક્ટર ઝુબેર ગોપલાણી દ્વારા બોરસદનાં બે તબીબો સહિત 13 તબીબો સીએેએેનું સમર્થન કરે છે, તે માટે મુસ્લિમ સમાજને આ તબીબોનું બહિષ્કાર કરવા માટે ભડકાવનારી પોષ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી. જેને લઈને વડોદરા ક્રાઈમ બ્રાંચે હનિફા સ્કૂલનાં ડાયરેક્ટર ઝુબેર ગોપલાણી વિરુદ્ધ ગુનો નોંધતા જ ફફડી ગયેલો ઝુબેર ગોપલાણી ભુગર્ભમાં ઉતરી ગયો છે, અને તેની આગોતરા જામીન અરજી પણ વડોદરા કોર્ટે રદ કરી દેતા પોલીસની ધરપકડથી બચવા માટે ઝુબેર ગોપલાણી સંતાતો ફરી રહ્યો છે.
ઝુબેર ગોપલાણીનાં કોમી લાગણી ભડકાવતી પોષ્ટને લઈને ઈન્ડીયન મેડીકલ એશોસીએશન બોરસદ શાખા સાથે સંકળાયેલા તબીબોએ જણાવ્યું કે બોરસદ મેડીકલ એસોસીએશન સાથે જાડાયેલા દરેક ડૉક્ટર પોતાનાંં દર્દીને જાત, પાત કે જ્ઞાતી પુછયા સિવાય દર્દીની સેવા અને ઈલાજ કરે છે, અને આજ દિન સુધીમાં હજારો લાખો દર્દીનાં જીવ બચાવ્યા છે, ત્યારે બોરસદનાં તબીબોને કલંકીત કરવાનો જે પ્રયાસ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે, તે નિંદનીય છે.