મહુધા તાલુકામાં નિઝામપુરના સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો
મહુધાના નિઝામપુર ખાતે પોરડા, બરૈયાની મુવાડી, વાસણા, મહિસા અને નિઝામપુર ગામનો યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ઓનલાઇન સેવાના અભાવે પાંચ ગામના લોકોને રઝળપાટનો વારો આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરી જણાવવામા આવે છે કે સેવાસેતુ કાર્યક્રમોમાં સ્થળ પર અરજીઓનો નિકાલ કરવામા આવશે. પરંતુ મહુધા પંથકના મોટા ભાગના ગામોમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમોએ સરકારની પોલ ખોલી હતી. થોડા દિવસ અગાઉ મીરઝાપુર ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ઓનલાઇન સેવાના અભાવે મોટા ભાગના અરજદારોને ફોગટ ફેરો ખાવાની વારી આવી હતી. તેમ છતા મહુધા વહીવટી તંત્ર દ્વારા જાણે રાજ્ય સરકારની પોલ ખોલવા શુક્રવારના રોજ નિઝામપુરમા ઓનલાઇન સેવા ન હોવા છતા સેવાસેતુ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.નિઝામપુર ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમા મહુધા વહીવટી તંત્ર દ્વારા જાણે વધુ એક દિવસની પીકનીક મનાવી હોય તેવો ઘાટ સર્જાયો હતો.