વાઘ / સંતરામપુરથી મળેલો વાઘ ઉજ્જૈનથી દોઢ વર્ષ પહેલાં ગુમ થયેલો મંગલો બાવો જ છે

tiger find in santrampur that missing from madyapradesh ujjain
X
tiger find in santrampur that missing from madyapradesh ujjain

  • મધ્યપ્રદેશથી રાજસ્થાન થઈને ગુજરાતમાં આવેલા વાઘે ચાર મહિનાથી મહિસાગરના જંગલને ઘર બનાવ્યું
  • વાઘને આ વિસ્તારમાં રાખવા માટે એનટીસીએની ગાઇડલાઇન મુજબ માદા લાવવા પ્રયાસ થશે
  • સંતરામપુરથી મળેલા વાઘના સ્ટ્રાઇપ ગુમ થયેલા વાઘ સાથે મેચ થાય છે

DivyaBhaskar.com

Feb 14, 2019, 11:22 AM IST
લુણાવાડા/સંતરામપુર/વડોદરા: સંતરામપુરના જંગલમાં મળી આવેલો વાઘ મૂળ દોઢ વર્ષ પહેલા મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ગુમ થયેલો મંગલો બાવો નામનો વાઘ છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વાઘ વાયા રાજસ્થાન થઈને ગુજરાતમાં આવ્યો છે. તેણે કરેલા મારણોનું એનાલીસીસ કરતાં છેલ્લા 4 મહિનાથી તેણે મહિસાગરના જંગલને ઘર બનાવ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. પ્રાથમિક તબક્કે જંગલમાં એક જ નર વાઘ હોવાનું લાગે છે, તેને રાખવા માટે માદા વાઘને લાવવી કે કેમ તે એનટીસીની ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
1. એકલો જ નર પ્રાણી
સીસીએફ એસ.કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે, મંગલો બાવો ઉજ્જૈનથી મે 2017 માં ગુમ થયો હતો. તેના સ્ટ્રાઇપ સંતરામપુરથી મળેલા વાઘ સાથે મેચ થાય છે એટલે આ એ જ નર વાઘ હોવાનું માની શકાય છે. તે રાજસ્થાન થઇ ગુજરાત આવ્યો હોવાનું પણ લાગી રહ્યું છે. આ સોલીટરી એટલે કે એકલો જ નર પ્રાણી છે. 
2. માનવભક્ષી નથી
સામાન્ય રીતે પ્રાણી સબ એડલ્ટથી એડલ્ટ તરફ જાય છે એટલે તેનો વિસ્તાર શોધવા માટે રોજનું 30 થી 40 કિલોમીટર પ્રયાણ કરતો હોય છે. ચાર મહિનામાં તેણે કોઇ માનવી પર હુમલો કર્યો નથી. તેના લક્ષણો જોતા સંભવત: તે માનવભક્ષી નહીં હોવાનું અનુમાન છે.
3. બધી વસ્તુ સેટ થઇ ગઇ હોવાનું લાગે છે
વન અધિકારીઓના જણાવ્યા મુજબ વાઘની બેઝિક જરૂરિયાત એ છે કે તેને સલામતી મહેસૂસ થવી જોઇએ, વધારે ડિસ્ટબર્ન્સ ના હોવું જોઇએ, ખાવા પીવાની વ્યવસ્થા હોવી જોઇએ. આ બધી વસ્તુ સેટ થઇ ગઇ હોવાનું લાગે છે.
4. નેચરલ મૂવમેન્ટ રોકી શકાય નહી
તેમણે એમ પણ કહ્યું હતું કે વાઘ હંમેશા અહીં રહે તેવું અમે ઇચ્છી રહ્યા છે પરંતુ નેચરલ મૂવમેન્ટ કરે તો તેને રોકી નથી શકતાં અને રોકવો પણ નહી જોઇએ. અમે તેના ખાવા પીવાની વ્યવસ્થા કરીશું અને સ્ટાફને વાઘ માટે ખાસ તાલીમ આપીશું.
1. વનવિભાગે લોકોને શું સલાહ આપી ?
કોઇએ ભયભીત ન થવું, ખતરનાક છે એટલે સાવચેતી જરૂર રાખવી.
લોકોએ ઉત્સુકતામાં તેના પગ માર્ક, સ્ક્રેચ માર્ક કે ક્યાં છૂપાયો છે તેવી શોધખોળ ના કરવી.
વાઘના તેમજ કેમેરા ટ્રેપના ફોટા ન પાડવા, આમ કરવાથી મૂવમેન્ટ વધે છે
પ્રાણીને ડિસ્ટર્બ ન કરવું, મૂવ કરવાની ટેન્ડન્સી છે એટલે આવું કરવાથી વહેલો ભાગી જશે
વાઘ એ સિંહ અને દીપડા જેવું ધીરજ વાળું પ્રાણી નથી, હુમલો પણ કરી શકે છે
1. આ વાઘને મંગલો બાવો કેમ કહે છે?
રાતાપાણીના જંગલમાંથી નીકળી ગયેલા વાઘની વનવિભાગે એક વર્ષથી વધુ સમય સુધી શોધખોળ કરી હતી. કહેવાય છે કે, આ પ્રદેશમાં ઘરમાંથી નીકળી સંસારી જીવન છોડી દેનાર લોકો ચંબલની ઘાટીમાં જતા હોય છે જેમને બાવો કહેવાય છે. આ વાઘનું નામ મંગલો હતો. ઘર એટલે કે જંગલમાંથી નીકળી ગયો હોવાથી બાવો એમ ગણી તેને મંગલો બાવોના હુલામણા નામથી ઓળખતા હતાં.
2. શિકારીઓથી બચાવવાનો પડકાર
વાઘની માહિતી આપવાનું ધીરે ધીરે બંધ કરી દેવાનું કહેતા સીસીએફ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વાઘના અંગોનો કરોડો રૂપિયાનો ગેરકાયદે ગોરખધંધો થઇ રહ્યો છે. વાઘ આ જંગલમાં જોવા મળ્યો છે એટલે તસ્કરો આ વિસ્તારમાં એક્ટિવ થઇ જવાની શક્યતા પણ નકારી શકાતી નથી. આ સંજોગોમાં વાઘની વધુ ડીટેઇલ મળે તો તેમનું કામ આસાન થઇ શકે છે એટલે શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવશે.
મહીસાગર જીલ્લામાં વાઘની ઉપસ્થિતિ જોવા મળતાં રાજ્યસરકારે અને વનપ્રેમીઓએ વધામણાં કર્યા છે. ગુજરાતમાં ત્રણ દાયકા પછી વાઘની ઉપસ્થિતિ નોંધાઈ છે. ગુજરાતમાં ત્રણ દાયકા પછી મહીસાગર જિલ્લામાં વાઘની ઉપસ્થિતિની ગૌરવપ્રદ પુષ્ટિ બાદ વડોદરા રેન્જના સીસીએફ એસ. કે. શ્રીવાસ્તવ આજરોજ મહીસાગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે આ વાઘ શોધ અભિયાનમાં જોડાનારા તમામને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
3. આ રીતે ઓળખ
ઉજ્જૈનથી મે 2017 માં ગુમ થયો હતો. તેના સ્ટ્રાઇપ સંતરામપુરથી મળેલા વાઘ સાથે મેચ થાય છે એટલે આ એ જ ઉજ્જૈનથી ગુમ થયેલો નર વાઘ હોવાનું માની શકાય છે.
4. મંગળવારે રાત્રે વાઘે કૂતરાનું મારણ કર્યું
છેલ્લા 3 મહિનામાં વાઘે 45 જેટલા મારણ કર્યા છે. વાઘ હોવાના પુરાવા મળ્યા તેના એક દિવસ પહેલા તેણે ભાણેદ્રામાં 3 બકરી અને નાડ ગામમાં વાછરડીનું મારણ કર્યું હતું. મંગળવારે સવારે કેમેરામાં સંતના પ્લોટમાં વાઘની હિલચાલના ફૂટેજ મળ્યા બાદ રાત્રે તેણે એક કૂતરાનું મારણ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે બુધવારે શહેરા તાલુકામાં ગાયોના ટોળા પર હુલો કરતાં લોકોએ બુમાબુમ કરી હતી જેથી મારણ કર્યા વગર જ જંગલમાં ભાગી ગયો હતો.
5. મારી નજર સામે જ વાછરડીનું ગળું પકડી વાઘ તેનું લોહી પી ગયો
નાડ ગામમાં લક્ષ્મણ મછારના પત્ની નર્મદાબહેને કહ્યું કે ઘરના વાડામાં આવેલી ઝાડીમાંથી વાઘે ખૂંટી બાંધેલી વાછરડીને ગળેથી પકડી લીધી હતી. આ સમયે ગાયનો અવાજ આવતા પાછળનું કમાડ ઉઘાડીને જોતાં પટ્ટા વાળા પ્રાણીએ વાછરડીને ગળેથી પકડેલી હતી. તેને દબાવી દબાવીને લોહી પીતો હતો. બુમાબુમ કરતા તે ભાગી ગયો હતો.
6. મધ્યપ્રદેશ ગુજરાત પાસે સિંહ માગે છે તો આપણે વાઘ માગવા જોઇએ
પ્રકૃતિ પ્રેમી પ્રતિક જૈને કહ્યું કે, મધ્યપ્રદેશ ગુજરાત પાસે સિંહ માગી રહી છે. મહિસાગરના જંગલમાં વાઘની હાજરી મળ્યા બાદ ગુજરાત સરકારે પણ મ.પ્ર. સરકાર પાસે બે-ત્રણ ફિમેલ વાઘની માગણી કરવી જોઇએ. જેનાથી સમગ્ર વિસ્તારને સેચ્યુરી બનાવી શકાય. વાઘ 6 મહિનાથી એક જ જગ્યા છે એટલે તેને જગ્યા ફાવી ગઇ છે. વાઘ આવી ગયો તેનો ગર્વ તો મળી ગયો પણ ટકાવી રાખવો પડશે. ડાંગમાં 29 વર્ષ પહેલા વાઘ હતા, આપણે ત્યાં પ્રસ્થાપિત કરી શકીએ.
7. શહેરા તાલુકાના કોઠા ગામે વાઘે ગાયો પર હુમલો કરતાં ભયનો માહોલ
બુધવારના રોજ શહેરા તાલુકાના કોઠા ગામે બપોરના 3 વાગ્યાના સમયે વાઘ દેખાયો હતો. ત્યારે ગણપતભાઇ મોહનભાઇ કોળી ગાયો ચરાવી રહ્યાં હતાં. વાઘ જેવો શિકાર માટે આગળ‌ વધ્યો એટલે લોકોએ બૂમાબૂમ કરતાં પાસે આવેલાં જંગલમાં ગરકાવ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં શહેર નોર્મલ આરએફઓ તેમજ બીટગાર્ડ ત્યાં આવી પહોંચ્યાં હતાં અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું પરંતુ ક્યાંયે તેનો પત્તો લાગ્યો નહતો. ફક્ત વાઘનો અવાજ સંભ‌ળાતો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી