વેપારીઓની માગ: ૨ ટકા વેરાશાખ કપાત હવે, ક્યારે બંધ થશે ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બજેટમાં વેપારીઓની માગ: કેન્દ્ર સીએસટી વળતર ચૂકવવા તૈયાર થયા પછી હવે પ્રશ્ન હલ થયો છે
- નાણામંત્રી નીતિન પટેલ સમક્ષ કોંગ્રેસના દંડક બલવંતસિંહની રજૂઆત


ગુજરાત વિધાનસભા ગૃહમાં ૨૦મી,ફેબ્રુઆરીએ રાજ્ય સરકારનું વર્ષ ૨૦૧૩-૧૪નું બજેટ રજૂ થવાનું છે ત્યારે કોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપૂત તરફથી રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ સમક્ષ વેપારીઓને પજવતા વેટ વેરા સંબંધિત પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આંતરરાજ્ય વેપાર કરતાં ગુજરાતી વેપારીઓની ૨ ટકા વેરાશાખમાં કરાયેલ ઘટાડાને પુન: યથાવત કરવા તેમજ વેપારીઓને મળવાપાત્ર કામચલાઉ રિફંડ-વ્યાજ ચૂકવાય તે દિશામાં નિર્ણય લેવા ઉપરાંત અન્ય ૧૯થી વધુ મુદ્દાઓને આવરી લેતા મુદ્દાઓને સમાવી લેવાયા છે.

ગુજરાતને કેન્દ્રમાંથી મળવાપાત્ર સીએસટી (કેન્દ્રીય વેચાણવેરા)ના વળતરની રકમ નહીં મળતાં રાજ્ય સરકારે જુલાઈ-૨૦૧૦થી જાહેરનામું બહાર પાડીને આંતરરાજ્ય વેચાણ વખતે વેપારીઓને અપાતી ૨ ટકા વેરાશાખ ઘટાડી દેવાનો નિર્ણય અમલમાં મૂક્યો હતો, પરંતુ હવે તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતને સીએસટી વળતર ચૂકવવાનો સ્વીકાર કર્યો છે ત્યારે ગુજરાત સરકારે તાકીદે પોતાનો વેરાશાખ ઘટાડવાના નિર્ણય રદ કરવો જોઈએ.

આ ઉપરાંત રાજ્ય વેટ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી એવી જોગવાઈ છે કે,માલનું ઉત્પાદન કરનાર કે તેનું ફેર-વેચાણ કરનાર વેપારીને અરજી કર્યા બાદ ૧પ દિવસમાં જ પ્રોવિઝનલ(કામચલાઉ) રિફંડની ૯૦ રકમ વ્યાજ સાથે મળવાપાત્ર છે પરંતુ ગુજરાતમાં વેપારીઓ દ્વારા જ્યારે પણ કામચલાઉ રિફંડની માંગણી કરાય છે ત્યારે તેમને એક યા બીજી રીતે પરેશાન કરાય છે અને આવું રિફંડ કે વ્યાજ અપાતા નથી.

વેપારીઓને ક્યા ૧૯ મુદ્દા મુશ્કેલીમાં મૂકે છે :

રાજ્યના વેપારીઓને પજવતાં અને લાંબા સમયથી પડતર 'વેટ’ના કાયદામાં સુધારો કરવાની માગ સાથેનું આવેદન રાજ્યના નાણાં પ્રધાનને સુપરત કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપૂતે નાણામંત્રીને સુપરત કરેલા આ આવેદનમાં જણાવ્યું છે કે, લિગ્નાઈટ પરનો ૨૨.પ ટકાનો વેરો-ખરીદી વેરો ઘટાડવા અને રિફંડ આપવા સહિ‌તના ૧૯ મુદ્દાઓની રજૂઆત કરી છે. જેમાં કેન્દ્રીય વેરાની ઘટ માટે બે ટકાના ઘટાડાનું જાહેરનામું રદ કરવા, બ્રાંચ ટ્રાન્સફરથી મોકલવામાં આવતાં ઉત્પાદિત માલની ખરીદ કિંમતમાં ૪ ટકાના વેરા શાખની રકમ કાપવાની અન્યાયી જોગવાઈ ઘટાડીને કેન્દ્રના ધોરણે બે ટકા કરવા, વેપારીની વ્યાખ્યામાંથી ધાર્મિ‌ક, સખાવતી, શૈક્ષણિક સંસ્થાઓને બાદ કરવા, કોન્ટ્રાક્ટ ઉચ્ચક વેરાની પસંદગી કરી હોય તેવા કેસમાં રાજ્ય બહારથી ખરીદી કરવા, સ્પે.ઈકો.ઝોન સિવાયના વેપારીઓને કેન્દ્રના ધોરણે વેરામાંથી મુક્તિ આપવા અને કેપિટલ ગુડ્ઝની વ્યાખ્યામાં સેકન્ડહેન્ડ પ્લાન્ટ અને મશીનરી સિવાયના શબ્દો દૂર કરી કોમ્પોનન્ટ અને એસેસરીઝ જેવા શબ્દો ઉમેરવા માગ કરવામાં આવી છે.

અન્ય શું માગણી કરવામાં આવી છે?

વ્યાજ અને રિફંડનો દર સમાન રાખવા, ગુજરાતમાં લેવાતો વધારાનો ટેક્સ નાબૂદ કરવા, રજિસ્ટર ન થયા હોય તેવા વેપારીઓ પાસેથી ખરીદીનો ડબલ વેરાની પદ્ધતિ રદ કરવા અને એન્ટ્રી ટેક્સ અંગેની જોગવાઈ કરવા માગ કરાઈ છે.