પાણી વેરાની વસૂલાત 65 ટકા પર અટકી: હવે તંત્ર આકરાં પગલાં લેશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જીઆઇડીસી વિસ્તારની વર્ષો જૂની બાકીમાંથી પણ રૂ. ૧૦ લાખની વસૂલાત કરાઇ : હજુ પ૦ લાખ બાકી

પાટનગરમાં મહાપાલિકા કાર્યરત થયાં પછી હજુ સુધી પાણી વિતરણની વ્યવસ્થા તો પાટનગર યોજના વિભાગ પાસે જ હોવાથી વિભાગ દ્વારા જ પાણી વેરાની વસૂલાત કરવામાં આવે છે. તેમાં પણ આગોતરી વસૂલાતની પ્રથા રાખવામાં આવી છે. ત્યારે વર્ષ ૨૦૧૩-૧૪ની વસૂલાત ૬પ ટકા જેટલી થયા પછી કામગીરી અટકી છે. પરિણામે આગામી દિવસોમાં આકરા પગલા ભરવા અધિકારીઓ તૈયાર થઇ રહ્યાં છે. દરમિયાન વર્ષો જુની રૂ. ૬૦ લાખની બાકી પૈકીની રૂ. ૧૦ લાખની વસૂલાત કરવામાં તંત્રને સફળતા મળી છે.

નગરમાં આવેલા ૨૬ હજારથી વધુ ખાનગી આવાસ પાસેથી પાણી વેરાની અંદાજે રૂ. ૩ કરોડની વસૂલાત કરવા માટે પાટનગર યોજના વિભાગની પાણી શાખા દ્વારા ગત માર્ચ મહિ‌નાથી કવાયત શરૂ કરવામાં આવી છે. તેમાં છેલ્લા બે મહિ‌નાથી રહેવાસી પાસેથી બિલની રકમ સ્વીકારવામાં આવી રહી છે. વિભાગના ઇજનેરી સુત્રોનાં જણાવવા પ્રમાણે અત્યાર સુધીમાં ૧.૭૦ કરોડ જેટલી આવક થઇ ચૂકી છે. હવે વેરો ભરવામાં ઉદાસીનતા દાખવનારા મિલકત ધારકોને નોટિસ આપવાની અને ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પાણી વેરાના બિલ આપવા છતાં લાંબા અરસાથી બિલ નહીં ચૂકવનારા વપરાશકારોની સામે કાર્યવાહી કરવાની ફટકારવામાં આવેલી નોટિસ આખરે બોલતી થઇ છે અને જીઆઇડીસી વિસ્તારનાં બાકીદાર તરફથી રૂ.૧૦ લાખ જેવી રકમ ભરી દેવામાં આવી છે. જો કે હજુ શહેરના વિવિધ વિસ્તારની મળીને જુની બાકી વસૂલાતની રકમ પ૦ લાખ જેટલી થવાં જાય છે. આવા બાકીદાર સામે હવે પાણીના જોડાણ કાપી નાખવાની સાથે તેઓને ર્કોટમાં ઘસડી જવા સુધીની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા ઇજનેરી વર્તુળોએ વ્યક્ત કરી હતી.