ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ વાવેતર માટે પાણીનું સ્તર બાધારૂપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉનાળામાં ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતરનો અંદાજ

આ વર્ષે ઉનાળુ વાવેતર માટે જિલ્લાના ખેડૂતોને પાણીનો પ્રશ્ન અત્યારથી જ મૂજવણમાં મૂકી રહ્યો છે. જમીનમાં પાણીનું લેવલ કેટલુ મળી રહેશે. તેના પર ઉનાળુ વાવેતરનો આધાર અને મદાર છે. ભૂગર્ભમાં પાણીનું લેવલ વૈશાખમાં કેટલુ જળવાઇ રહેશે, તેનો હજુ સુધી અંદાજ આવ્યો ન હોવાથી જિલ્લાના ખેડૂતો પાકની પસંદગી કરી શક્યા નથી. જો કે આવર્ષે જિલ્લામાં ૨પથી ૩૦ હજાર હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો અંદાજ છે.

શિયાળાની ઋતુ પૂરી થઇ ચૂકી છે. શિવરાત્રીના દિવસથી શિવ..શિવ કરતી ઠંડી વિદાય થઇ ચૂકી છે. તે પછી ગાંધીનગર શહેર અને જિલ્લાના તાપમાનમાં એકાએક ઉછાળો આવી રહ્યો છે.મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સીયસથી ઉપર જઇ રહ્યું છે. તેને લક્ષમાં લઇ જિલ્લાના કેટલાક ખેડૂતો દ્વારા ઉનાળુ વાવેતર શરૂ કરી દેવાયું છે.

જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિ‌તી અનુસાર આ વર્ષે જિલ્લામાં વધુમાં વધુ ૩૦ હજાર હેક્ટરમાં ઉનાળુ પાક માટે વાવેતર થશે. તેનાથી વધુ વાવેતર શા માટે નહીં થાય. તેવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રો જણાવી રહ્યાં છે કે આ વર્ષે ઉનાળાની ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તેમજ ચોમાસા દરમિયાન અંદાજ કરતા સામાન્ય વરસાદ થયો હતો. તેમજ વરસાદી પાણીનો સંગ્રહ ન થઇ શક્યો હોવાથી ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક છે. તેનાં કારણે આ વર્ષે ઉનાળુ વાવેતર માટે જિલ્લાના ખેડૂતો ચિંતાની લાગણી અનુભવી રહ્યાં છે.

નવી ટેકનોલોજીના અખતરાઓ અને ખર્ચા નાના ખેડૂતને પોસાય તેમ નથી
જમીનમાં ભેજ અને પાણીનું સ્તર ઓછુ હોય તો ઉનાળુ વાવેતર માટે સંશોધન અને નવી ટેકનોલોજીને આપનાવી નવા અખતરા કરવા જોઇએ. પરંતુ બારેમાસ પિયતની સમશ્યા ભોગવતો ગાંધીનગર જિલ્લાના નાનાં અને સિમાન્ત ખેડૂતો આર્થિ‌ક રીતે સધ્ધર ન હોવાથી નવા કોઇ અખતરા કરવા તૈયાર નથી. તેવા સંજોગોમાં દર વર્ષેની જેમ આ વખતે પણ બાજરી, મગફળી, મગ અને જુવાર તથા શાકભાજીના વાવતરને ખેડૂતો વળગી રહેશે. તેમ જાણી કેટલાક ખેડૂતો દ્વારા વાવણી શરૂ પણ કરી દેવાઇ છે.