ગાંધીનગર: પાણીનો વેડફાટ પકડાશે તો જોડાણ કાપી નખાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાણી વિતરણ સમયે સેકટરોનો રાઉન્ડ લેવા મુખ્ય ઇજનેરનો આદેશ

શહેરમાં શિયાળા અને ચોમાસાની મોસમ કરતા હાલમાં વધુ પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. પરંતુ તેના કારણે ઘણા વસાહતીઓ દ્વારા પાણીની બીનજરૂરી વેડફાટ કરવામાં આવતો હોવાનું પ્રકાશિત થયું છે. જેના પગલે મુખ્ય ઇજનેર દ્વારા પાટનગર યોજના વિભાગના પાણી શાખાના અધિકારીઓને આવા કિસ્સા પકડી પાડીને પાણીના જોડાણ કાપી નાખવાનો આદેશ આપ્યો છે.

પાટનગરમાં સામાન્ય સંજોગોમાં ૪૦થી ૪પ એમએલડી પાણી આપવામાં આવે છે. પરંતુ ઉનાળામાં વપરાશ વધતો હોવાના કારણે વસાહતીઓને સમસ્યા ન રહે તે માટે પાણીનું પ્રમાણ વધારીને ૭૦ એમએલડી સુધી લઇ જવામાં આવ્યું છે. આમ છતાં પાણી માટે બુમો પડે છે. મુખ્ય ઇજનેર પટેલે જણાવ્યું કે, પાટનગરમાં પાઇપ લાઇન નેટવર્ક દોઢ લાખની વસ્તીને ધ્યાને રાખીને સ્થાપવામાં આવ્યું હતું. તેથી નાની સાઇઝની પાઇપો નાખવામાં આવી હતી. વિકાસ થવાની સાથે વસ્તી ઘણી વધી છે. ત્યારે પાઇપ લાઇનની ક્ષમતા ઓછી પડે છે. તબક્કાવાર પાઇપો બદલવામાં આવી રહી છે.

મોટી સાઇઝની પાઇન લાઇન નાખવાના કારણે સેકટર-૨૪ અને ૨પમાં હવે સમસ્યા રહી નથી. પાઇપ લાઇન નેટવર્ક સુધારણા હવે ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. વધારામાં જુના અને નવા સેકટરોમાં અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનના લેવલમાં ઘણો ફેર હોવાથી પણ પ્રેશરની સમસ્યા રહે છે. આ તમામ કામો આગામી બજેટમાં સમાવવામાં આવ્યા છે. પરંતુ હાલમાં જે સેકટરોમાં પાણીનો બેફામ બગાડ કરવામાં આવે છે તે સ્થિતિ ચલાવી લેવામાં આવશે નહીં. પાણી ખરીદીને આપવામાં આવી રહ્યું છે. ત્યારે પાટનગર યોજના વિભાગના અધિકારીઓને વેડફાટના કિસ્સાઓ પકડી પાડીને નોટીસો ફટકારવા તથા ફરીવાર પકડાય તો જોડાણ કાપી નાખવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.