PMની મુલાકાતનું પરિણામ: માત્ર બે દિવસમાં નગરમાંથી રખડતાં ઢોર ડબ્બે પૂરી દેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગાંધીનગરનાં રોડ મુક્ત કરવા માટે એકશન પ્લાન તૈયાર)
- મુખ્ય માર્ગોને સૌ પ્રથમ ઢોર મુક્ત કરવા માટે એકશન પ્લાન તૈયાર
- પોલીસ અને હોમગાર્ડસને સાથે રાખીને મહાપાલિકા તંત્ર નગરભરમાં ફરી વળશે

ગાંધીનગર : ગાંધીનગર શહેરને રખડતાં ઢોરથી મુક્ત કરાવવા મ્યુનિસિપલ કમિશનરે બિડું ઝડપીને પ્રથમ વાર આ સંબંધે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ કરતું જાહેરનામુ બહાર પાડ્યાં બાદ હવે મહાપાલિકા તંત્ર આ કામગીરી કરવા માટે તૈયાર થઇ ગયું છે. પોલીસ અને હોમગાર્ડસને સાથે રાખીને સૌ પ્રથમ મુખ્ય માર્ગોને ઢોર મુક્ત કરવાનું ઓપરેશન હાથ ધરાશે અને આ કામગીરી માત્ર બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

મહાપાલિકાની ઢોર પક્કડ શાખાના અધિકૃત સુત્રોના જણાવવા પ્રમાણે નગરના 14 મુખ્ય માર્ગ એટલે કે કથી જ રોડ અને માર્ગ નંબર 1થી7 પર સૌ પ્રથમ ઢોર પકડો ઝુંબેશ ચલાવવામાં આવશે. બે દિવસ બાદ આ માર્ગ પર ક્યાય રખડતા ઢોર દેખાશે નહીં . ઢોરને છુટા મુકી દેનારા પશુપાલકોને ભારે દંડ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઇ કરવામાં આવી હોવાથી પ્રથમ ઝુંબેશ જ કારગત રહેવાની આશા રાખવામાં આવી રહી છે.

ભૂતકાળમાં રખડતાં ઢોર પકડવાના કિસ્સામાં પશુપાલકો દ્વારા ઢોર પક્કડ પાર્ટી પર ઘાતક હુમલા કરવાના બનાવ ગાંધીનગરમાં બન્યા છે. ઉપરાંત ડબ્બે પુરવામાં આવેલા ઢોર પણ બળજબરીથી છોડાવી જવાના બનાવ પણ બન્યા હોવાના કારણે મહાપાલિકાની ઢોર પક્કડ પાર્ટીમાં 11 માણસોનો સ્ટાફ હોવા છતાં આ કામગીરી કરવાનું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ આ વખતે કમિશનર ચૌધરીઓ જાહેરનામુ બહાર પાડવાની સાથે પોલીસની અચૂક મદદ અને પૂર્ણ સહકાર મળે તેવી વ્યવસ્થા કરી હોવાના કારણે કામ પાર પડવાની શક્યતા વધી છે.

વડાપ્રધાનની મુલાકાત સૌથી મોટું કારણ

16 અને 17મીએ ગુજરાતની સૌ પ્રથમ મૂલાકાતે આવી રહેલા દેશના વડાપ્રધાનની આ મૂલાકાત પણ તાત્કાલિકના ધોરણે રખડતા ઢોરના ત્રાસને હટાવવા પાછળનું મહત્વનું કારણ માનવામાં આવે છે. હાલમાં એક પણ મુખ્ય માર્ગ એવો નથી જ્યા રખડતાં ઢોરના ટોળા જોવા ન મળે અને વડાપ્રધાન આ પૈકીના માર્ગો પરથી જ પસાર થવાના હોવાથી તેમની મૂલાકાતના પહેલાં જ ઢોરને ડબ્બે પુરી દેવાનું અભિયાન ચલાવાશે.