તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી મહેર છતાં બજારમાં શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શાકભાજીનાં ભાવ આસમાને જતા ખરીદીમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે)
- ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી બજારમાંથી ઉંચા દામ વસૂલતા વચેટીયાઓ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં સારા વરસાદનાં પગલે ધાન્ય પાકોથી માંડીને શાકભાજીનાં પાકોમાં મબલખ ઉત્પાદન થઇ રહ્યુ છે. તેમ છતા શાકભાજીનાં ભાવમાં કુત્રિમ ભાવ વધારો કરીને નાગરીકોને ખંખેરવામાં આવી રહ્યાં છે.જો કે ખેડુતો તથા શાકભાજીનાં નાના વેપારીઓને બદલે વચેટીયાઓ લાભ લઇ જતા આ સ્થિતિ સર્જાઇ હોવાનું જાણવા મળ્યુ છે. શાકભાજીનાં ભાવ આસમાને જતા નાગરીકો લૂંટાવાનો વારો આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ધાન્ય પાકોની સાથો સાથે શાકભાજીનું વાવેતર પણ ચોમાસાની સિઝનમાં વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. જે વર્ષે વરસાદ નબળો પડે અથવા અતિવૃષ્ટીની પરિસ્થિતિ નિમાર્ણ થાય ત્યારે સામાન્ય રીતે શાકભાજીનાં પાકને નુકશાન થવાથી ઓછા ઉત્પાદનનાં કારણે શાકભાજીનાં ભાવો વધી જાય છે. પરંતુ વર્તમાન સમયમાં શાકભાજી બજારમાં વિચિત્ર ભાવ વધારો જોવા મળ્યો છે. ચોમાસાની ચાલુ સિઝનમાં ગાંધીનગર જિલ્લામાં 97 ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. આસપાસનાં જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ સારૂ રહ્યુ છે. જેના પગલે શાકભાજીનાં પાકને પણ ફાયદો થવા સાથે શાકભાજીનું સારૂ ઉત્પાદન થઇ રહ્યુ છે. શહેરનાં શાક માર્કેટોમાં શાકભાજીની આવક પણ સારી જોવા મળી રહી છે. આ સમગ્ર ક્રમને ધ્યાને લેતા શાકભાજી સસ્તા મળવા જોઇએ. પરંતુ ચોમાસુ શરૂ થયાથી માંડીને હજુ સુધી પણ શાકભાજીનાં ભાવમાં ખાસ ઘટાડો નોંધાયો હતો.

ગત જન્માષ્ટમી પછીનાં થોડા દિવસો માટે શાકભાજી પ્રમાણમાં થોડા સસ્તા થયા હતા. પરંતુ હાલનાં દિવસોમાં શાકભાજીનાં ઉંચા દામ વસુલવામાં આવી રહ્યા છે. શાકભાજીનાં વ્યવસાય સાથે સંકળાયેલા સુત્રોનાં જણાવ્યાનુંસાર બજારમાં જોવા મળી રહેલો ભાવ વધારો કૃત્રિમ છે. બજારમાં શાકભાજીનાં જે ભાવ વસુલવામાં આવી રહ્યા છે તેનાથી અનેક ગણું સસ્તુ શાકભાજી ખેડુતો પાસેથી ખરીદીને વચેટીયાઓ બજારમાં નાના વેપારીઓને ઉંચા દામે વેચે છે. જેના કારણે નાના વેપારીઓએ પણ નાગરીકો પાસેથી ઉંચા દામ વસુલવા પડે છે.