ગાંધી નગર શહેર અને જિલ્લામાં પવનના સૂસવાટા સાથે માવઠું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંજ પડતા જ પવનની વધતી તેજ ગતિથી ઠંડીનો માહોલ : છૂટાછવાયાં ઝાપટાં પડતાં ચોમાસા જેવું વાતાવરણ

અરબી સમુદ્રમાં સર્જા‍યેલા સાયક્લોનથી રાજ્યભરના વાતાવરણમાં અચાનક ફેરફાર સર્જા‍યો છે. તેની સાથે સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં જાણે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. સાંજ પડતાની સાથે તેજ ગતિ સાથે ઠંડા પવનો ફૂંકાવા લાગ્યો હતો અને શહેર સહિ‌ત કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા થતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ભર શિયાળે પડેલા આ માવઠાથી જીરુ અને વરિયાળીના પાકને નુકશાન થવાની દહેશત વર્તાઇ રહી છે.

છેલ્લા બે દિવસથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીના કારણે શિયાળા જેવો માહોલ સર્જા‍ય છે. જ્યારે બપોરના સમયે ગરમી પડી રહી છે. અનેક ઘર અને કચેરીઓમાં પંખા ચાલુ કરવા પડે તેવી ગરમી બપોરના સમયે લાગી રહી છે. આ માહોલ વચ્ચે આજે અચાનક વરસાદી માહોલ સાથે બેવડી નહીં પણ ત્રેવડી ઋતુ અનુભવાઇ રહી છે. ગાંધીનગરના અનેક સેક્ટરો અને જિલ્લાનાં ચાર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠુ થવાના અહેવાલો મળી રહ્યાં છે. જેનાં કારણે વાતાવરણ ટાઢુ હેમ થઇ ગયું છે.

સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર સોમવારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬.પડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૮પ ટકા તેમજ સાંજે ઘટીને ૪૨ ટકા થઇ ગયું હતું. તે પછી મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં રાત્રે ભેજનું પ્રમાણ વળી પાછુ વધીને ૮પ ટકા થઇ ગયું હતું. આ ઉપરાંત વરસાદી ઝાપટાં પડવાના કારણે શહેર અને જિલ્લાભરમાં લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં અચાનક ઘટાડો થયો હતો. જેનાં કારણે ઓસરી ગયેલી ઠંડી જાણે એકાએક પ્રગટ થઇ હોય તેવુ લાગી રહ્યું હતું.

સવારથી રાત સુધીમાં ત્રણ ઋતુનો અહેસાસ થયો :

ગાંધીનગર પંથકના લોકોને સોમવારે સવારથી રાત સુધીમાં શિયાળો, ઉનાળો અને ચોમાસા જેવી ત્રેવડીત્રણ ત્રણ ઋતુનો અહેસાસ પલટાયેલા હવામાને કરાવી દીધો હતો. કેટલાક ઠેકાણે યોજાયેલા લગ્ન સમારંભોમાં વિક્ષેપ પડયો હતો. મેક-અપ સાથે બનીઠનીને લગ્નમાં નિકળેલા પરિવારો સમારંભમાંના જવા જેવા થઇ ગયાં હતાં. આ ઉપરાંત લગ્નના આયોજકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં હતાં. તેજ ગતિએ ફૂંકાયેલા પવનના કારણે કેટલાક ઠેકાણે મંડપ ડામાડોળ થઇ ગયાં હતાં.

સ્વેટર સાથે છત્રીની પણ આવશ્યકતા જણાઇ :

છેલ્લા અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ ઘટી જતાં જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેવુ લાગી રહ્યું હતું. જેથી લોકોએ ગરમ કપડા પહેરવાના અને સાથે લેવાનું મૂકી દીધું હતું. આવ સમયે અચાનક પલટાયેલા વાતાવરણના કારણે મોડી સાંજે વાતાવરણમાં અસહ્ય ઠંડક પ્રસરી જવા પામી હતી. જેથી રસ્તા ઉપરથી પસાર થતાં લોકો રીતસરના થરથરતા જોવા મળ્યાં હતાં. તેની સાથે થોડી જ વારમાં વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયાં હતાં. ત્યારે છત્રીની આવશ્યકતા લોકોને જણાઇ હતી.

જિલ્લામાં વરિયાળીના પાકને માઠી અસરની દહેશત :

ગાંધીનગર જિલ્લામાં શિયાળા દરમિયાન વિવિધ પાકની સાથે ૧પ૦૦ હેક્ટરમાં વરિયાળીનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. વરિયાળીના આ પાકને આજના માવઠાથી માઠી અસર થઇ શકે છે. વરિયાળીના પાકમાં રોગ ફેલાઇ શકે છે. હજુ પણ વાદળછાયુ વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે તો વરિયાળીને બચાવી શકાશે નહીં.
કે.કે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી

માણસામાં ધમધોકાર અને કલોલમાં છૂટો છવાયો વરસાદ :

બદલાયેલા હવામાનની અસર ઉત્તર ગુજરાત તરફ વધારે જોવા મળી હતી. જેનાં કારણે માણસા અને તેની આજુબાજુના મહેસાણા જિલ્લાનાં પંથકમાં ધોધમાર માવઠુ થયું હતું. માણસાથી મળતાં અહેવાલ મુજબ સાંજે ૭.૩૦થી ૧૦ વાગ્યા સુથી ભારે પવન સાથે ઝાપટાં ચાલુ રહ્યું હતાં. તે ઉપરાંત કલોલ શહેર તેમજ તાલુકામાં પણ છૂટા છવાયા ઝાંપટાં પડયાં હતાં.