PNGની ફરિયાદોના ઉકેલનું તંત્ર જ નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧પ ટકા ટેક્સ સરકારને ચૂકવતાં હોવા છતાં ફરિયાદનો હલ થતી નથી

પીએનજી મારફતે રાંધણગેસ મેળવતા રાજ્યમાં ૧૦ લાખથી વધુ ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે સરકાર પાસે કોઇ યંત્રસામગ્રી નથી. જેના કારણે ગ્રાહકો હેરાન-પરેશાન થઇ ઊઠયા છે. સિલિન્ડર મારફતે ગેસ મેળવતા ગ્રાહકો પાસેથી સરકાર ટેક્સ ઉઘરાવતી નથી. તેની સરખામણીમાં પીએનજીના ધારકો પાસેથી ૧પ ટકા સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે છે. ડોમેસ્ટિક પીએનજી કનેકશનો આવ્યાને આઠ વર્ષનો સમય વીતી જવા છતાં ગુજરાત સરકારના કાનૂની માપવિજ્ઞાન તંત્ર પાસે તોલમાપના જથ્થા અને પુરવઠા બાબતે ચકાસણીના કોઇ સાધન વસાવ્યાં નથી.

સૂત્રોના જણાવ્યાનુસાર મીટરથી માંડીને ગેસના વધુ પડતા ફલો માટેની યંત્રસામગ્રી કંપની પાસે જ છે. રાંધણગેસના સિલિન્ડર મેળવવાની ઝંઝટ ખાળવા માટે પ્રજાએ પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ની લાઇનો લીધી હતી. પરંતુ આ લાઇનના કારણે મીટર ઝડપી ફરવા અથવા તો કોક બંધ હોવા છતાં મીટર ફરતા હોવાની તેમ જ ગેસનો ફલો વધુ આવતો હોવાની વ્યાપક પ્રમાણમાં પ્રજામાં ફરિયાદો ઊઠવા પામી છે. આ ફરિયાદો સાંભળવા માટે તોલમાપ નિયંત્રકની કચેરી છે. પરંતુ આ ફરિયાદનો નિકાલ લાવવા માટે સરકાર પાસે યંત્રસામગ્રી નહીં હોવાથી પ્રશ્નો યથાવત રહે છે.

જો કે સરકારી અધિકારી તરફથી એવો ખુલાસો કરાયો છે કે, હાલ આ કામગીરી કંપની પાસે જ છે. સરકાર હસ્તક આવી નહીં હોવાથી સરકાર પાસે ચકાસણી માટેની કોઇ યંત્રસામગ્રી નથી.

ખુદ પ્રમુખની પણ ફરિયાદ કાને ધરાતી નથી :

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખના ઘરે પણ વપરાશ કરતાં વધુ યુનિટનું બિલ આવે છે. તેમણે છેતરપિંડીની ફરિયાદનો ઉકેલ લાવવા માટે અમદાવાદ શહેરના સારંગપુર ખાતે આવેલી કાનૂની માપવિજ્ઞાન તંત્રના નિયંત્રક કચેરીના જિલ્લા નિયંત્રક જી.એમ. પટેલનો સંપર્ક કર્યો હતો. તેના જવાબમાં તેમણે યંત્રસામગ્રી ઉપલબ્ધ નહીં હોવાથી કોર્ટનો સહારો લેવા માટે જણાવ્યું હતું. આ અધિકારીનો તેમના મોબાઇલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

જાગો ગ્રાહક પછી લોકો જાગ્યા પણ સરકાર ઊંઘે છે :

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, જાગો ગ્રાહક જાગોનો સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવે છે. પ્રજા જાગી છે પરંતુ ખુદ સરકાર જ ઊંઘી રહી છે. સરકારને એક મહિ‌નાની તાકીદ કરતી નોટિસ આપી છે. પરિણામ નહીં આવે તો નાછૂટકે અમારે હાઇકોર્ટમાં જાહેર હિ‌તની રિટ અરજી કરવી પડશે.

પીએનજી માટેની યંત્રસામગ્રી નથી :

કાનૂની તોલમાપ નિયંત્રકની કચેરીના નાયબ નિયંત્રક સંજય પાટડિયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે પીએનજીના ફરિયાદની ચકાસણી માટેનાં સાધનો નથી. તે કંપની દ્વારા જ થાય છે.