જિલ્લાની ૧૩ પ્રા. શાળાઓમાં ધોરણ-૮ના વર્ગો શરૂ થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની ૩૭૬ શાળામાં હાલ ધો-૮ના વર્ગો ચાલે છે

ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની વધુ ૧૩ સ્કૂલોમાં આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ-૮ના વર્ગો શરૂ કરવામાં આવનાર છે. ૩ કિ.મી સુધીના વિસ્તારમાં એક પણ માધ્યમિક સ્કૂલ નથી તેવા વિસ્તારની ૧૩ સ્કૂલોમાં ધોરણ-૮ના વર્ગો શરૂ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. જો કે હાલમાં જિલ્લા પંચાયત હસ્તકની કુલ ૩૭૬ સ્કૂલોમાં હાલના તબક્કે ધોરણ-૮ના વર્ગો ચાલી રહ્યાં છે.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદૂરસિંહ સોલંકીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૯૦૧૦ના વર્ષમાં કેન્દ્રિય શિક્ષણ નિતિનો અમલ કરવામાં આવ્યો હતો. તે મુજબ ધોરણ-૮નો પ્રાથમિક શાળામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગે તબક્કાવાર ધોરણ-૮ને માધ્યમિક શાળામાંથી બાદ કરીને પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાનો આરંભ કર્યો હતો. જેમાં ગત વર્ષે ગાંધીનગર જિલ્લાની ૩૭૬ પ્રા.શાળાઓમાં ધોરણ-૮નો સમાવેશ કર્યો હતો. તેમજ કેન્દ્રિય શિક્ષણ નિતિ હેઠળ ધોરણ-૮નો વર્ગ ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓ ઉભી કરાઇ હતી. આમ ધોરણ-૮નો પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાથી ધોરણ-૧થી ૫ લોઅર તથા ધો.૬થી ૮ અપર પ્રાયમરી તરીકેની નવી ઓળખ પ્રા.શાળાઓને મળી છે.

આ અંગે વધુમાં જાણવા મળે છે કે જિલ્લાની ૧૩ પ્રા. શાળાઓમાં ધોરણ-૭માં ૧૫થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા છે. તેમજ આ શાળાઓ જ્યાં આવેલી છે તેની ફરતે ૩ કિ.મી. વિસ્તારમાં એક પણ માધ્યમિક શાળા નથી. જેથી આવી ૧૩ પ્રા.શાળામાં વર્ષ ૨૦૧૩-૧૪ના શૈક્ષણિક સત્રથી ધોરણ-૮ના વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્યા તાલુકાની કઇ શાળામાં ધોરણ ૮ શરૂ કરાશે આગામી સત્રથી ધોરણ-૮ના વર્ગો શરૂ કરવામાં આવનાર છે તેમાં દહેગામ તાલુકાની-૬, ગાંધીનગર તાલુકાની ૫ તેમજ કલોલ અને માણસા તાલુકાની ૧-૧ શાળાનો સમાવેશ થાય છે. આમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાની ૧૩ સહિતની રાજ્યની ૭૯૮ પ્રા.શાળાઓમાં નવા સત્રથી ધોરણ-૮ના વર્ગો શરૂ કરવામાં આવનાર છે.