ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ પ્રદર્શનના કારણે પાટનગરમાં જાણે ઉત્સવનો માહોલ ઉભો થયો છે. માત્ર અમદાવાદથી જ નહીં પણ રાજ્યભરમાંથી ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રદર્શન નિહાળવા આવી રહ્યાં છે. બહારગામ અને શહેરના નાગરિકો સરળતાથી પ્રદર્શન સ્થળ સુધી જઇ શકે તે હેતુથી પ્રદર્શન સ્થળ સુધી જવા - આવવા માટે એસટી અને એએમટીએસની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રદર્શન સ્થળ સુધીની બસ સુવિધા ઉભી કરવામાં આવતાં ટ્રાફિક અને પાક`ગની સમશ્યાનું આપોઆપ નિરાકરણ આવી ગયું છે.
પ્રવાસીઓની સુવિધાને લક્ષમાં લઇ ગાંધીનગર ખાતેના પથિકાશ્રમ એસટી ડેપો દ્વારા ડેપોથી વાઇબ્રન્ટ પ્રદર્શનના સ્થળ સુધી ૨૦ લો-ફ્લોર એસટી બસ મુકવામાં આવી છે. તેમાં ૩૦થી વધુ મુસાફરોની સંખ્યા થયા પછી બસ પ્રદર્શન સ્થળે લઇ જવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એએમટીએસ દ્વારા પણ નવી ૪૦ બસો મુકવામાં આવી છે. તે બસ દ્વારા પણ ગાંધીનગર ડેપોથી પ્રદર્શન સ્થળ સુધી પ્રવાસીઓને લાવવા-લઇ જવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. આ સુવિધાનો લાભ રોજ સેંકડો પ્રવાસીઓ લઇ રહ્યાં છે. આ બસો સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી બસની સુવિધા પ્રવાસીઓને ઉપલબ્ધ થશે.
એસ.ટી ડેપોથી પ્રદર્શન સ્થળ સુધીની પરિવહન સેવાની વ્યવસ્થા પાછળ ટ્રાફિકને અંકૂશમાં રાખવાનો છે. અનેક લોકો પોતાના વાહનો લઇ પ્રદર્શન સુધી જાય તો ત્યાં તેમને પોતાના વાહનો પાર્ક કરવાની મુશ્કેલી ઉભી ન થાય તેવા આશયથી ખાસ બસો દોડવવામાં આવી રહી છે.
બુધવારે સવારથી સાંજ સુધીમાં ૨૦૦ ટ્રિપ :
ગાંધીનગર ડેપોથી પ્રદર્શન સ્થળ સુધી પ્રવાસીઓને લઇ જવા અને લાવવા માટે ખાસ વિનામૂલ્યે બસ સુવિધા ઉભી કરવામાં આવી છે. તેનો લાભ આજે બુધવારે સેંકડો પ્રવાસીઓએ લીધો હતો. એસટી ડેપો મેનેજર યોગેશ પટેલના જણાવ્યા અનુસાર બુધવારે સવારથી સાંજ સુધીમાં એસટી દ્વારા ૧૦૦ ટ્રિપ કરવામાં આવી હતી. જ્યારે એએમટીએસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં આજે ૧૦૦થી વધુ ટ્રિપ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.