સંત સરોવર: ૨ અબજના ખર્ચે ૧૬ કિલોમીટર સુધી લંબાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તો નવી ડીઝાઇન પ્રમાણે ગાંધીનગર રીવરફ્રન્ટ અલુઆ ગામ સુધી વિસ્તારી શકાશે

શહેરની ભાગોળે સાકાર થનારા સાબરમતી નદી પરનાં સંત સરોવર ડેમની યોજનાનું વધુ વિસ્તરણ કરવામાં આવ્યું છે. રીવરફ્રન્ટ પ્રોજેકટના સંદર્ભે દરવાજાવાળા ડેમની ઉંચાઇ અને કેચમેટ એરીયા વધારીને તેની લંબાઇ ૧૬ કિલોમીટર પર લઇ જવામાં આવશે. પરિણામે ડેમ પાછળ રૂા.૧પ૦ કરોડનો ખર્ચ અંદાજાયો હતો તે વધીને ૨ અબજ પર પહોંચશે. પરિણામે નવી ડિઝાઇન પ્રમાણે ગાંધીનગર રીવર ફ્રન્ટની મહત્વાકાંક્ષી યોજનાને હવે અલુઆ ગામ સુધી વિસ્તારી શકાશે. તેની વિચારણા શરૂ થઇ છે.

૨૦૦૬માં પુરના કારણે સંત સરોવરના તૂટેલા સ્ટ્રકચરનો ઉપયોગ કરીને નવો ડેમ બનાવવાની સુચનાના કારણે નવી ડીઝાઇન કરવામાં લાંબો સમય પસાર થયા પછી તૂટેલાં સ્ટ્રકચરનો ઉપયોગ નહીં કરીને જ દરવાજાવાળો ડેમ બનાવવાની ડીઝાઇન તૈયાર કરાઇ તેને તજજ્ઞોએ મંજૂર કરી દેતાં યુદ્ધના ધોરણે કામ શરૂ કરાયું છે અને વર્ષ ૨૦૧૪માં પૂર્ણ કરવાનો લક્ષાંક રખાયો છે. વાસણા બેરેજની ર્પેટન પર દરવાજાવાળો ડેમ બનાવવાનો હોવાથી સ્વભાવિક રીતે ખર્ચ વધી જતા સંત સરોવર માટે રૂા.૨૦૦ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.

અધિકારીઓએ એમ પણ કહ્યું કે, સંત સરોવરને પાણીથી ભરેલું રાખવા નર્મદા કેનાલમાંથી પાઇપ લાઇન નાખવાની યોજના છે. પરંતુ તે પહેલા ડેમના સ્ટ્રકચરનું કામ કરાશે. બીજી બાજુ હવે રીવરફ્રન્ટને અલુઆ ગામ સુધી વિસ્તીરવાનો હોવાથી તેના માટે અભ્યાસ કરાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પાટનગર આસપાસ અનેકવિધ ક્ષેત્રના ઉદ્યોગોની સ્થાપના માટે સરકાર દ્વારા જુદા જુદા એકમો સાથે રૂા.૨ લાખ કરોડનાં મૂડી રોકાણનાં સમજુતી કરાર કરવામાં આવ્યા છે. જેનાથી એક વખતનો ઉજ્જડ વિસ્તાર ધમધમતો થવાની સાથે અહીંની વસ્તી પણ વધવાની છે, ત્યારે એન્ટરટેનેમેન્ટ પોઇન્ટ્સ વિકસાવવા ખુબ જરૂરી બની ગયા છે.

શાહપુર બ્રિજથી ચિલોડા બ્રિજ વચ્ચે રીવરફ્રન્ટ
સંત સરોવર રચાઇ ગયા પછી પાટનગર યોજના વિભાગ આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવશે. અહીં શાહપુર બ્રિજથી ચિલોડા બ્રિજ વચ્ચે રીવરફ્રન્ટ હશે. તે રીવરફ્રન્ટ અહીં રચાનારા સરોવરને કારણે અમદાવાદ કરતા પણ ભવ્ય હશે. સરકારે અમદાવાદની જેમ જ કોમર્શીયલ હેતુ સાથે જ ગાંધીનગરમાં પણ સાબરમતી રીવર ફ્રન્ટ વિકસાવવા આ કારણોસર જાહેરાત કરી હતી.