ગાંધીનગર: હથિયારો સાથે આંગડિયાને લૂંટવા નીકળેલા ત્રણ પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમદાવાદનાં આઝાદસિંઘ નામનાં શખ્સ સાથે ૩૦ લાખ લૂંટવાનાં હતા

અમદાવાદની એક આંગણીયા પેઢીનાં કર્મચારી પાસેથી રૂ. ૩૦ લાખની લુંટ કરવા દેશી તમંચા તથા છરા જેવા હથીયારો નિકળેલા બે રાજસ્થાની તથા એક કડીનાં શખ્સની સેકટર ૭ પોલીસ દ્વારા ગાંધીનગર શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. લૂંટનાં આ પ્લાનીંગમાં કોને નિશાન બનાવવાનો હતો તથા અન્ય કોની સંડોવણી છે તે અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

રાજયમાં તાજેતરમાં આંગણીયા લૂંટની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગાંધીનગર સેકટર ૭ પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદનાં એક આંગડીયાને લુંટવા નિકળેલા ૩ શખ્સોની તમંચા તથા છરા જેવા હથીયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર સેકટર ૭ પોલીસ પીઆઇ જે એમ ભરવાડ તેની ટીમ સાથે સોમવારે રાત્રે શહેરનાં ઘ-૦ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સર્કલ પાસેનાં ખુલ્લા મેદાનમાં સુતેલા ૩ શખ્સો પોલીસને જોઇને નાસવા લાગ્યા હતા.પોલીસને શંકા જતા ૩ શખ્સો મોહનસિંહ લખસિંગ સોઢા, જયસિંગ વિજયસિંગ ભાટી(બંને રહે રાજસ્થાન) તથા નવાબ અખ્તર યુસુફખાન પઠાણ(રહે કડી જી. મહેસાણા)ને પકડી પાડયા હતા. પોલીસને તેઓ પાસેથી એક થેલીમાં છુપાવેલ પિતળનો દેશી બનાવટનો તમંચો તથા બે ધારદાર છરા જેવા હથીયારો પણ હાથ લાગ્યા હતા.

પીઆઇ જે એમ ભરવાડે તેઓની વધારે પુછપરછ કરતા આ ત્રણેય શખ્સો મંગળવારે વહેલી સવારે ૭ વાગ્યે અમદાવાદ ગીતા મંદિર ખાતે પહોચી જઇને અન્ય એક સાથી સાથે મળીને એક આંગણીયા પેઢીનાં કર્મચારી પાસેથી રૂ. ૩૦ લાખ લૂંટવાનું પ્લાનીંગ કરીને નિકળ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે તેની પાસેથી મળી આવેલા હથીયારો કબજે લઇને ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

પકડાયેલા શખ્સોમાંથી બે મર્ડરનાં આરોપી
પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર ધરપકડ કરાયેલા ૩ શખ્સોમાંથી નવાબ પઠાણ તથા જયસિંગ એક ડ્રાઇવરની હત્યા કરવા બદલ જોધપુર જેલમાં હતા. ત્યાંથી પેરોલ પર નિકળ્યા બાદ નાસી છુટયા હતા.

અમદાવાદનાં આઝાદસીંગે પ્લાનિંગ કરી રાખ્યું હતું
પોલીસનાં જણાવ્યાનુંસાર લૂંટનાં આ પ્લાનીંગમાં અમદાવાદનાં આઝાદસીંગ નામનાં વ્યકિતની સંડોવણી ખુલી છે. કઇ આંગણીયા પેઢીનાં કર્મચારીને લુંટવાનાં હતા તે પ્રશ્નનાં જવાબમાં આ શખ્સોએ પોલીસને જણાવ્યુ હતુ કે કોને લુંટવાનો હતો તે ખબર નથી પણ સવારે ગીતા મંદિરથી આઝાદસિંગ નામનો શખ્સ તેઓને જીપમાં લેવા આપવવાનો હતો. આઝાદસિંગ એક આંગણીયા કર્મચારીનાં સંપર્કમાં હતો. તેમણે જ લુંટનું સમગ્ર પ્લાનીગ તૈયાર કરીને આ લોકોને બોલાવ્યા હતા. જેના પગલે પોલીસ આઝાદસિંગની શોધખોળ હાથ ધરી છે.