રાજ્ય સરકારે લોકાયુક્ત મામલે કરેલી અરજી સામે શક્તિસિંહના પ્રહારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભ્રષ્ટાચાર છાવરવા રિવ્યૂ અરજી કરાઈ
આક્ષેપ: રાજ્ય સરકારે લોકાયુક્ત મામલે કરેલી અરજી સામે શક્તિસિંહના પ્રહારો
લોકાયુક્ત મામલે રોકેલા વકીલો પાછળ સરકારી તિજોરીમાંથી કરેલો ખર્ચ જાહેર કરવા માગ


રાજ્યના મુખ્યપ્રધાન પોતાના ભ્રષ્ટાચારને છાવરવા માટે પ્રજાની તિજોરીમાંથી કરોડોનો ખર્ચ કરીને લોકાયુક્તની નિમણૂકમાં વિલંબ થાય તેવો કારસો ઘડી રહ્યા હોવાનો આક્ષેપ વિરોધપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિ‌લે કર્યો છે. તેમણે વકીલોને ફી સહિ‌તના તમામ ખર્ચ પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયાની વિગત પ્રજા સમક્ષ જાહેર કરવાની માગ કરી છે.

મીડિયા સમક્ષ ગુજરાત સરકારે કરેલી રિવ્યૂ પિટિશનની નકલ રજૂ કરતા ભાજપના બેવડાં અને સ્વાર્થી માપદંડોનો પર્દાફાશ કરતાં જણાવ્યું કે, એકતરફ કેન્દ્ર સરકારે મંજૂર કરેલાં લોકપાલ વિધેયકનો રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધ કરી રહ્યો છે જ્યારે ભાજપની જ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે પાસ કરેલાં વિધેયકને સંપૂર્ણ વાજબી ઠેરવતી લેખિત રજૂઆત રિવ્યૂ પિટિશનમાં કરી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારે કરેલી રિવ્યૂ પિટિશન સિવિલ અપીલ ૮૮૧૪-૧પ-૨૦૧૨ના ગ્રાઉન્ડ 'એફ’માં કેન્દ્ર સરકારની કેબિનેટ અને સિલેક્ટ કમિટીએ તૈયાર કરેલાં લોકપાલ વિધેયક તેમજ લોકપાલની નિયુક્તિની જોગવાઈ કરતી કલમ-૪ને સંપૂર્ણ વાજબી ઠેરવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રિવ્યૂ પિટિશનમાં કોઈ નવું કે મજબૂત ગ્રાઉન્ડ નથી પરંતુ કોઈપણ સંજોગોમાં મુખ્યપ્રધાન લોકાયુક્તની નિમણૂકમાં વિલંબ કરવા માટે રોડાં નાખે છે.

ત્રણ વકીલોને અઢી કરોડ રૂપિયાની ફી ચૂકવાઈ :

કોંગી નેતાએ જણાવ્યું કે, તેમની જાણ મુજબ રાજ્ય સરકારે દિલ્હીના અગ્રણી વકીલ વેણુગોપાલને રૂ. ૧.પ કરોડ, સોલી સોરાબજીને રૂ. ૬૦ લાખ અને મુકુલ રોહતગીને રૂ. ૬૦ લાખની ફી ચૂકવી છે. આ સિવાય ગુજરાત તરફથી હાજર રહેલા વકીલો સહિ‌તના પ૦થી વધુ વકીલોના કાફલા પાછળ કરોડોનો ખર્ચ કરાયો છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે વકીલો ગુજરાત ભવનમાં રહે છે પરંતુ આ કેસ માટે ગયેલા વકીલો હોટલ તાજ માનસિંહમાં રોકાયા હતા. જ્યાં એક દિવસનું ભાડું રૂ. ૩પ હજાર છે. કેટલા દિવસો સુધી આ હોટલના રૂમ બુક કરાયા હતા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરો.

તમામ ખર્ચ ભાજપ અથવા મોદી ભોગવે :

વિપક્ષના પૂર્વ નેતાએ કહ્યું કે, લોકાયુક્તની નિમણૂકને અવરોધવા રાજ્યની ભાજપ સરકાર જે ખર્ચ કરે છે તે પ્રજાના હિ‌તની લડાઈ નથી, પરંતુ મુખ્યપ્રધાનના ભ્રષ્ટાચારને બચાવવાની લડાઈ હોવાથી સરકારી તિજોરીમાંથી આ ખર્ચ કરી શકાય નહીં. આ સંજોગોમાં આ તમામ ખર્ચ ભાજપે ધનસંગ્રહના નામે ઉઘરાવેલી ખંડણીમાંથી અથવા મુખ્યપ્રધાને પોતાના ખિસ્સામાંથી આપવો જોઈએ.

મહેતાના મુદ્દે નો કોમેન્ટ :

જસ્ટિસ આર.એ.મહેતા ચાર્જ કેમ સંભાળતા નથી ? તે અંગે તેમણે કોઈ ટિપ્પણી કરવા ઈનકાર કરી તર્ક રજૂ કરતાં કહ્યું કે, સંભવ છે કે, ગુજરાત સરકારે રિવ્યૂ પિટિશન કરવાની જાણકારી જસ્ટિસ મહેતાની આપી હોય.