ગાંધીનગરમાં હવે નવા બનનારા દરેક સરકારી મકાનમાં રિચાર્જવેલ ફરજિયાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાટનગર યોજના વિભાગ દ્વારા મહત્વના નિર્ણયનો અમલ કરી દેવાયો છે

ગાંધીનગરમાં નવી બનનારી કોઇપણ સરકારી ઇમારતમાં રીચાર્જ વેલ બનાવવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહ માટે આ યોજના હાથ ધરવામાં આવી છે અને ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ દ્વારા મહત્વના આ નિર્ણયને અમલ કરી દેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જે પણ નવી ઇમારતનું કામ કરવામાં આવે છે. તેમાં રીચાર્જવેલની સુવિધા ઉભી કરવામાં આવે છે. તમામ સરકારી મકાનો અને ઇમારતોમાં આ સુવિધા ઉભી કરવાને કારણે આ ઇમારતો, મકાનોના ધાબા પરથી જે વરસાદી પાણી વહી જતું હતું તેનો બગાડ અટકશે અને સીધું રીચાર્જ વેલમાં જશે.

ગાંધીનગરમાં હાથ ધરવામાં આવેલી ભૂગર્ભ જળના જથ્થાને સમૃધ્ધ કરવા માટેની આ યોજનાથી શું ફાયદો થયો તેના કોઇ પરિણામો મેળવાયા નથી. પરંતુ ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વર્ષ-૨૦૦૭ના ચોમાસા પછી પાણીના સ્તર અઢી મીટર સુધી ઉંચા આવ્યા હતાં. સતત સારા ચોમાસા જવાના કારણે આમ બન્યું હતું. સાથોસાથ સેકટરોમાં બનાવવામાં આવેલા ૧૮૦થી વધુ રીચાર્જ વેલ પણ તેના માટે કારણભૂત ગણવામાં આવ્યા હતાં. જેના કારણે વધુ રીચાર્જ વેલ બનાવવાની યોજના પણ હાથ ધરવામાં આવી છે.

બીજીબાજુ પાટનગર યોજના વિભાગના ઇજનેરે જણાવ્યું કે, ગાંધીનગર સહિ‌ત જ્યાં પણ આ પદ્ધતિ અમલી બનાવાઇ છે તેમાં રીચાર્જ પધ્ધતિના સારા પરિણામોથી પ્રેરણા લઇને તમામ સરકારી ઇમારતોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભમાં ઉતારવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે અને હવે નવી બનતી દરેક ઇમારતમાં પહેલેથી રીચાર્જ વેલ બનાવવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. પાટનગર યોજના વિભાગ હસ્તક નવી ઇમારતોના દરેક કામમાં આ નિર્ણય અમલી બનાવી દેવામાં આવ્યો છે.