માયાનગરી મુંબઈને ગુજરાતની ધરા પર ઉતારીશ: રમેશ સીપ્પી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માયાનગરી ગુજરાતમાં લાવવાની નેમ

વાઈબ્રન્ટ ડાયરી :

વાઈબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગતની મુલાકાતે આવેલાં જાણીતા ડિરેક્ટર-પ્રોડયુસર રમેશ સીપ્પીએ જણાવ્યું હતું કે, જો તેમને તક મળશે તો તેઓ ગુજરાતમાં ફિલ્મ સીટી ઊભું કરશે. આના માટે રાજ્યના એક અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા તેમને પોતાના પ્રોજેક્ટ માટે જમીન ઓફર કરવામાં આવી છે. સરકાર તરફથી સહકાર મળશે અને જો બધું સમુસુધરુ પાર પડશે તો તેઓ મુંબઈની માયાનગરીને ગુજરાતની ધરા પર ઉતારશે. સાથે જ તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતુંકે, જે માણસ ગુજરાત જેવા રાજ્યની સરકાર ચલાવી શકે છે તે દેશ પણ ચલાવી શકે. મોદી એક સારા લીડર છે અને અનેક પડકારો જીલીને ચોથીવાર જે માણસ રાજ્યની સત્તા પર બિરાજમાન થયો હોય જરૂર તેનામાં કંઈક દમ હશે. દુનિયાભરમાં લોકો મોદીને ચાહે છે તેનું મુખ્ય કારણ તેમની લીડરશીપ અને તેમણે કરેલો વિકાસ છે. આજે ગુજરાત દેશભરમાં સૌથી ઝડપથી વિકસતું રાજ્ય બની ગયું છે.

ગિફ્ટ સિટીના અધ્યક્ષની સરળતા :

ટાવરના ઉદ્દઘાટન બાદ સ્ટેજ પર મુખ્યમંત્રી પહોંચે તેમાં સમય લાગ્યો હોવાથી તરસ છીપાવવા માટે સરકારી આદેશ છોડયા વગર ગીફ્ટ સીટીના અધ્યક્ષ સુધીર માંકડે સ્વયંભૂ સ્ટેજ પર આવ્યા હતા. તેમની ખૂરશીની ચકાસણી કરી ટેબલ પર મૂકેલી બોટલમાંથી જાતે પાણી ગ્લાસમાં ભરીને પાણી પીધું હતું.ત્યારબાદ તેઓ પાછાં મુખ્યમંત્રીને આવકારવા પહોંચી ગયા હતા. એકસમયે મુખ્યમંત્રીની સુરક્ષા કાજે બેઠેલાં સુરક્ષાકર્મીઓ તેમને જોઇ જ રહ્યાં હતા.

પહેલા આનંદીબેન-નીતિનભાઇ સ્ટેજ પર :

પ્રોટોક્લ પ્રમાણે મુખ્યમંત્રીના સ્ટેજ પર પહોંચ્યા બાદ અથવા તેમની પાછળ પાછળ અન્ય મહાનુભાવો પહોંચતા હોય છે. પરંતુ ટાવરનુ ઉદ્દઘાટન કરીને મુખ્યમંત્રી સ્ટેજ પર પહોંચે તે પહેલાં જ આનંદીબેન પટેલ તથા નીતિન પટેલ સ્ટેજ પર પહોંચી ગયા હતા.

૧૪ મહિ‌નામાં ૨૮ માળનો ટાવર તૈયાર :

ગુજરાતમાં સૌ પ્રથમ ઊભા કરાયેલા ૨૨ માળના ટાવરનું માત્ર ૧૪ મહિ‌નામાં ઊભું કરી દેવાયું છે. તબક્કાવાર ટાવરની સ્થિતિ અંગેનું નિરૂપણ દર્શાવતી સ્લાઇડ સ્ક્રીન પર જાહેરમાં દર્શાવવામાં આવી હતી. ૨૭મી મેંના રોજ ટાવરના સ્થળની સ્થિતિનું ચિત્ર બાદ તા.૨૭ જૂન, ૩૧ ઓગસ્ટ, ૧પ ઓકટોબર, ૨૭ ડિસેમ્બર તથા ૩ જાન્યુઆરી-૧૩ની આખરી સ્થિતિ તબક્કાવાર દર્શાવી હતી. તે જોઇને હાજર સૌ કોઇ પ્રભાવિત થઇ ગયા હતા.

જીઇબીના તમામ અધિકારીઓ તૈનાત :

જીઇબી વિસ્તારમાં લાઇટ ડૂલ થઇ જવી તે કોઇ નવી વાત રહી નથી. અને આ ગીફ્ટ સીટી વિસ્તાર જીઇબીના વિસ્તારમાં આવતો હોવાથી ચાલુ કાર્યક્રમ દરમિયાન કોઇ વીજ ડૂલ થઇ જવાની ઘટના બને તો ઇસ્યુ ના બની જાય અને મુખ્યમંત્રીના ખોફનો ભોગ ન બનવું પડે તે માટે જીઇબીના અધિકારીઓ તૈનાત થઇ ગયા હતા. આ અધિકારીઓને જોઇને પત્રકારોમાં તે ચર્ચાનો વિષય બન્યો હતો.