ગાંધીનગર: સિંચાઇ-પીવાના પાણીની આખા વર્ષની ચિંતા ટળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વરસાદની તસવીર)
ચોમાસુ માહોલની જમાવટ: પાટનગરમાં ૧.પ ઇંચ: જિલ્લામાં વરસાદની ટકાવારી ૭૬ પર પહોંચી ગઇ
ભાદરવામાં અષાઢી માહોલ જામતાં ટીપે ટીપે સરોવર ભરાવાની એ ઉક્તિ ખરી પડી
ગાંધીનગર: જિલ્લામાં પખવાડિયા દરમ્યાન વરસાદ ઝાપટા સ્વરૂપે પડતો રહ્યાં અને ભાદરવામાં અષાઢી માહોલ જામ્યાના પદલે ટીપે ટીપે સરોવર ભરાય એ ઉક્તિ ખરી પડી રહી છે. જિલ્લામાં ૧૦ વાર્ષિ‌ક સરેરાશની સામે ૭૬ ટકા જેટલો વરસાદ થઇ ચૂક્યો છે. જિલ્લામાં સરેરાશ સારા કહેવાય તેવા વરસાદના પગલે સિંચાઇના અને પીવાના વર્ષભરના પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે.દરમિયાન પાટનગરમાં સવારે પોણો ઇંચ વરસાદ પડયા બાદ સાંજથી ફરી એકધારો વરસાદ શરૂ થયો હતો.ગાંધીનગરમાં શહેર વિસ્તારમાં તો નર્મદાના પાણી પીવા માટે આપવામાં આવે છે.
જિલ્લાના તમામ ૨૯૧ ગામો અને દહેગામ, માણસા અને કલોલ શહેરને નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજના હેઠળ આવરી લઇ પીવાનું શુદ્ધ પાણી આપવાનું આયોજન કરાયું છે. પરંતુ નર્મદાના પાણી ઉપલબ્ધ ન હોય તો પણ ૯૦ ટકા સુધી વરસાદ થઇ જાય પછી પીવાના પાણીની ચિંતા રહે તેમ નથી. કેમ કે, ભૂગર્ભના તળ સાજા થઇ જાય છે અને વરસાદ ૭પ ટકાએ પહોંચ્યા પછી ચોમાસુ માહોલ જળવાઇ રહેલો છે.રાજ્યના ફ્લડ કંન્ટ્રોલ રૂમના આંકડા કહે છે કે, દહેગામ તાલુકામાં સૌથી ઓછો ૧૯ ઇંચ વરસાદ થયો છે. ગાંધીનગર તાલુકામાં ૧૮.૨૪ ઇંચ, માણસા તાલુકામાં ૨પ.૬૦ ઇંચ અને સૌથી વધુ કલોલ તાલુકમાં ૨૬.૬૮ ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાની સરેરાશ ૩૦ ઇંચ વરસાદની છે. તેની સામે ૨૨.૩૮ ઇંચ વરસાદ પડી ગયો છે.
આપત્તિ વ્યવસ્થાપન તંત્રમાં રજાઓ રદ
સમગ્ર જિલ્લામાં સતત વરસાદી માહોલના પગલે સરકારે તમામ જિલ્લા તંત્રને એલર્ટ રહેવાના આદેશ તો કર્યા જ છે. હવે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા દરેક અધિકારી કર્મચારીઓની રજાઓ રદ કરતા આદેશ છુટયાં છે. કેમ કે સાબરમતી નદીમાં પાણી વહેતાં થઇ ગયા છે અને મેઘ માહોલ યથાવત હોવાથી નદી કાંઠાના ગામ સંબંધે સતર્ક રહેવાની તાકીદ કરાઇ છે.
દહેગામ અને ગાંધીનગર પાછળ રહી ગયાં
વરસાદની ટકાવારીમાં દહેગામ અને ગાંધીનગર તાલુકા પાછળ રહ્યાં છે. છેલ્લા ૧૦ વર્ષની તાલુકાવાર વરસાદની ટકાવારીની સરખામણીએ આ વખતે દહેગામમાં પ૬.૯૦ ટકા અને ગાંધીનગરમાં ૬પ.૨૩ ટકા વરસાદ થયો છે. જ્યારે માણસામાં ૮૨.૬૩ ટકા અને કલોલમાં ૯૩.૨૩ ટકા વરસાદ થયો છે.