પાટનગરમાં પોલીસે વધુ બે ગાડી ઉપરથી લાલ લાઇટ ઉતરાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- વાહન નંબર પ્લેટ પર હોદ્દાના ચિતરામણવાળા 254 વાહન પકડીને કાયદેસરની કાર્યવાહી કરાઇ

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટે કરેલા સરકારી કે અર્ધ સરકારી વાહનો પરથી લાલ, પીળી અને બ્લ્યુ લાઇટ નહીં રાખવા ઉપરાંત અધિકારી અને પદ્દાધિકારીઓનાં વાહનની નંબર પ્લેટ પરથી હોદ્દા સહિતના લખાણ અને ફેન્સી નંબર દુર કરવાના આદેશના પગલે રાજ્ય વ્યાપી ઝુંબેશ ચલાવાઇ રહી છે. ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રક્રિયા દરમિયાન લાલ લાઇટવાળી બે ગાડી મળી આવતાં તે ઉતરાવી લેવાઇ હતી. ઉપરાંત નંબર પ્લેટ સંબંધે 254 વાહનનાં ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

જિલ્લા પોલીસ તરફથી અપાયેલી માહિતી અનુસાર ગત તા. 30મી ઓગસ્ટથી તા. 5મી સપ્ટેમ્બર દરિમયાન ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી. તેમાં લાલ લાઇટવાળી બે ગાડી પૈકી એકની લાલ લાઇટ સ્થળ પર જ ઉતરાવી દેવાઇ હતી. જ્યારે બીજી ગાડીમાં લાઇટનું ફિક્સ ફીટિંગ હોવાથી તેના ચાલકને લાઇટ ઉતારી નાખવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી. વાહનની નંબર પ્લેટ પર ગુજરાત સરકાર કે ધારાસભ્ય કે પ્રમુખ જેવા લખાણ અને ફેન્સી અક્ષરથી લખાણ કરવા પર પણ હાઇકોર્ટ દ્વારા બાન મૂકવામાં આવે લો છે. આવા લખાણ ધરાવતી નંબર પ્લેટવાળી 254 ગાડીઓ ઝડપી પાડવામાં આવી હતી. આ પૈકીના 3 વાહન ડિટેઇન કરી લેવામાં આવ્યા હતાં.

જ્યારે 184 વાહનનાં ચાલકોને સ્થળ પર દંડ ફટકારીને રૂ. 11,800 દંડની વસૂલાત કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શરદ સીંગલના જણાવવા પ્રમાણે ઉપરોક્ત બાબતોએ વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેના માટે પોલીસ દ્વારા 8 હજાર પત્રિકાઓ છપાવીને જાહેર સ્થળો ઉપરાંત ટ્રાફિક સિગ્નલો પર તેનું વિતરણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પ્રકારના વાહનો મળી આવે તેની ફોટોગ્રાફી કરી લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.