હવે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી શકાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરી વિસ્તારો માટે રાજ્ય સરકારે લીધેલો નિર્ણય
- શરત ફેર માટે જંત્રીના ૨પ ટકા રકમ ભરવાની રહેશે
- હેતુફેર કરવા જંત્રીના ૪૦ ટકા રકમ ભરવી પડશે


રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે અગાઉના પ્રીમિયમના દરમાં પ૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ શહેરી વિસ્તારોમાં આ દર જંત્રીના પ૦ ટકા પ્રમાણે વસૂલાતા હતા, હવે તે જંત્રીના ૨પ ટકા મુજબ લેવાશે અને આ રીતે શહેરી વિસ્તારોમાં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી દેવાશે.

આ ઉપરાંત જેની પાસે ૧પ વર્ષથી જમીનનો કબજો હોય અને તેવી વ્યક્તિ જો બિનખેતીના હેતુ માટે જમીનને જૂની શરતમાં ફેરવવા માંગતી હશે કે તબદીલ-હેતુફેર કરવા ઈચ્છતી હશે તો તેની પાસેથી જંત્રીના દરના ૪૦ ટકા મુજબ પ્રીમિયમ લેવાશે.આ નિર્ણયનો સમગ્ર ગુજરાતમાં અમલ કરાશે.અગાઉ આ દર જંત્રીના ૮૦ ટકા પ્રમાણે વસૂલવામાં આવતાં હતા.

વિધાનસભામાં ધારાસભ્ય વર્ષાબેન દોશીએ સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષમાં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા અંગે કેટલી અરજી મળી છે,તેવા સંદર્ભનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. મહેસૂલ,શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલે એવ માહિ‌તી આપી હતી કે,સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પ૮૨ અરજી મળી હતી.તેમાંથી ૪૮૩ અરજી મંજૂર કરાઈ છે. બાકી ૯૯ અરજીમાંથી ૩પ અરજી નામંજૂર કરાઈ છે.