હવે ખેડૂતો ગમે ત્યાં જમીન ખરીદી-વેચી શકશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિધાનસભામાં પસાર કરાયેલા ટુકડા ધારાના સુધારા વિધેયકનો અમલ

રાજ્ય સરકારે ગત વિધાનસભાના સત્ર દરમિયાન જમીન ટુકડા ધારા સુધારા વિધેયકની પસાર કરાવીને રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલાવી દીધું હતું. જે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલાવાયું હતું. હવે તેને મંજૂરી મળી જતાં તેનો અમલ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.તે મુજબ હવેથી રાજ્યનો કોઈપણ ખેડૂત ખાતેદાર ગમે ત્યાં જમીનના ટુકડાનું વેચાણ કે ખરીદી કરી શકશે એટલું જ નહીં પરંતુ જે જમીનનો ટુકડો પડતો ન હોય તેવા કિસ્સામાં એકત્રિકરણ થયેલી જમીન માટે 'બ્લોક વિભાજન’ની પરવાનગી લેવી નહીં પડે.

મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ખેતીની જમીનના ટુકડા પડતાં અટકાવવા અને તેનું એકત્રિકરણ કરવા માટે મુંબઈ ટુકડા ધારો અમલમાં હતો.જેનો મૂળ ઉદ્દેશ જમીનના ટુકડા પાડવાના અનષ્ટિને અટકાવવાનો તથા ખેતીની છૂટીછવાઈ જમીનને એકત્રિત કરીને ખેતીની નવી પદ્ધતિઓ દ્વારા ખેત ઉત્પાદન વધારવાનો હતો.આ કાયદાને કારણે ખેડૂતને જે મુશ્કેલીઓ પડતી હતી તેને ધ્યાનમા લઈને સરકારે કાયદામાં સુધારો કર્યો છે.

ટુકડા ધારો એટલે શું ?

અગાઉ ખેડૂતોની જમીન જ્યારે તેમના વારસદારો વચ્ચે વહેંચાતી હતી ત્યારે જમીનની સરખાભાગે જમીનની વહેંચણી બાદ જો જમીનનો કોઈ ટુકડો પડે તો તેને વેચી કે ખરીદી ન શકાય તેવી જોગવાઈ કરતો કાયદો મુંબઈ ટુકડા ધારાને નામે ઓળખવામાં આવતો હતો.

જમીનનો ટુકડો કોને ગણાય છે ?

કાયદાની જોગવાઈ મુજબ પિયત જમીનમાં ૨૦ ગુંઠા અને બિન પિયત જમીનમાં ૨ એકર જમીનને ટુકડા તરીકે ઓળખાય છે.

ટુકડા ધારાથી નુકસાન શું થતું હતું ?

ટુકડા ધારાને કોઈપણ ખેડૂત તેની જમીનની તેના વારસદારો વચ્ચે વહેંચણી વખતે જો જમીનનો ટુકડો પડતો હોય તો તેની વહેંચણી કરી શકતો ન હતો.

તેના કારણે વારસદારો વચ્ચે ઝઘડા થતાં હતા.ર્કોટ કેસનું પ્રમાણ વધ્યું હતું.કોઈ વારસદાર ખેતી માટે લોન લઈ શકતો ન હતો.

અગાઉ ઓછા ક્ષેત્રફળવાળા ટુકડાનું અલગ ખાતુ બનતું ન હતું.તેનાથી વારસદારોના વારસદારો મળીને સહ-હિ‌સ્સેદારોની સંખ્યા ખૂબ વધતી જતી હતી.

લગોલગ આવેલા સર્વેનંબરો અથવા પેટા વિભાગના માલિક સિવાય કોઈ વ્યક્તિને તે વેચી શકાતો ન હતો.સસ્તામાં ટુકડો પડાવી લેવાતો હતો.

નવા સુધારાથી શું લાભ થશે ?

નવા સુધારાને કારણે હવે ખેડૂતો જમીનનો ટુકડો ખરીદી કે વેચી શકશે.ખેડૂતો ટુકડો પડતો હશે તો પણ વારસદારોને જમીન વહેંચી શકશે.ર્કોટ કેસનું પ્રમાણ ઘટી શકશે.