ગેરકાયદે દબાણોને કાયદેસર કરવા ગુજરાત સરકારની 'નવી દબાણ નીતિ'!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પેટા ચૂંટણીની આચારસંહિ‌તા દૂર થાય પછી નિર્ણયની શક્યતા

રાજ્યની ખરાબા-પડતર હોય તેવી સરકારી જમીન પર કરાયેલા દબાણને દૂર કરવા તેમજ કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર નવી દબાણ નીતિ લાવી રહી છે. આ નીતિ તૈયાર થઇ ગઇ છે અને વાત એવી છે કે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે મંજૂરી પણ આપી દીધી છે. હવે કેબિનેટ અને મુખ્યમંત્રીની મંજૂરી બાકી છે. પેટા ચૂંટણીની આચાર સંહિ‌તા પૂર્ણ થાય પછી નવી નીતિનો વિધિવત્ નિર્ણય લેવાશે. જેમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણના પ્રકારને ધ્યાનમાં રાખીને પેનલ્ટી વસૂલાશે. એકંદરે અઢી ટકા સુધીની પેનલ્ટી વસૂલવામાં આવે તેવી જોગવાઇ કરાઇ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

- હાલમાં અઢી ટકા પેનલ્ટી વસૂલી જમીન કાયદેસર કરાઇ

અત્યારે સરકારી જમીન પર દબાણ હોય તો તેના માટે જમીનના બજારભાવની અઢી ટકા પેનલ્ટી વસૂલવામાં આવે છે. જમીન પર દબાણ કરવાનો મલિન ઇરાદો હોય તો પણ અઢી ટકા પેનલ્ટી અને સામાજિક સંસ્થાઓ કે સરકારી સંસ્થાઓએ જાહેર હેતુ માટે દબાણ કર્યુ હોય તો પણ અઢી ટકા પેનલ્ટી ફટકારીને જમીન કાયદેસર કરાતી હતી.

- દબાણના પ્રકારના આધારે પેનલ્ટીનો દર નક્કી કરાશે

નવી નીતિમાં દબાણનો પ્રકાર નક્કી કરીને પેનલ્ટીના દર નક્કી કરાશે. શિક્ષણ-આરોગ્ય જેવા જાહેર હેતુ કે સખાવતી સંસ્થાઓનું દબાણ હોય તો પેનલ્ટી એકથી સવા ટકા વસૂલાય તેવી શકયતા છે. જાહેર હેતુ માટે દબાણ હોય તો એક ટકા જેટલી પેનલ્ટી વસૂલાશે. દબાણ નુકસાનકારક ન હોય તો એકથી સવા ટકા સુધી અને અનુસૂચિત જનજાતિ સહિ‌તની અનામત કેટેગરીના લાભાર્થે દબાણ કરાયું હોય તો એક ટકા સુધીની પેનલ્ટી ફટકારાશે. ઇરાદાપૂર્વક-મલિનઇરાદા સાથેનું દબાણ હોય તો અઢી ટકા સુધીની પેનલ્ટી વસૂલાશે.

- સરકારી સંસ્થાઓના ઓડિટમાં સમસ્યા સર્જા‍તી હતી

સરકારી સંસ્થાઓ દ્વારા જાહેર હેતુ માટે દબાણ કરાયું હોય તો પણ અઢી ટકા પેનલ્ટી વસૂલાતી હતી. જેથી ઓડિટમાં સમસ્યા સર્જા‍તી હતી. ખાસ કરીને સરકારી સંસ્થાઓ દ્વારા ભરાયેલી પેનલ્ટીથી ઓડિટમાં તકલીફ ન થાય માટે નવી નીતિ તૈયાર કરાઇ રહી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.