ગાંધીનગરમાં દર ચોથા દિવસે થાય છે એક લક્ઝુરિયસ કારનું આગમન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર આરટીઓમાં વર્ષ ૨૦૧૨-૧૩માં ૮૪ લક્ઝુરિયસ કાર નોંધાતાં ટેક્સ પેટે રૂ.૧.૩૮ કરોડની આવક

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર ૪ દિવસે ૧ લક્ઝુરિયસ કારનું આગમન થઇ રહ્યું છે. રાજ્યની પ્રથમ હાઇટેક ગાંધીનગર આરટીઓમાં વર્ષ ૨૦૧૨-૧૩માં કુલ ૮૪ લક્ઝુરિયસ કાર રજિસ્ટર થઇ હતી. તેના ટેક્સ પેટે આરટીઓને રૂપિયા ૧.૩૮ કરોડની અધધ કહી શકાય તેટલી આવક થઈ હતી. આ તમામ કારમાં એક પણ કાર રૂપિયા ૩૦ લાખથી ઓછી કિંમતની નથી.

રાજકીયક્ષેત્રે આગળ પડતું ગણાતું ગાંધીનગર શહેર અને જિલ્લો આર્થિ‌ક દૃષ્ટિએ સુખી સંપન્ન છે.તેમાંએ કલોલ તાલુકાના ગામડામાં તો દર ચાર ઘરે એક એનઆરઆઇ વસે છે. આ પ્રકારની જાહોજલાલીમાં સુખસાહ્યબી ભોગવતા વેપારીઓ અને ખાસ કરીને રાજકારણીઓ લક્ઝુરિયસ કાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતાં જરાયે ખચકાતા નથી.

ખેતી, પશુપાલન અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર ગાંધીનગર જિલ્લો છેલ્લા ૬-૭ વર્ષથી આર્થિ‌ક દૃષ્ટિએ પણ હાઇસ્પીડે આગળ વધી રહ્યો છે. ગાંધીનગર આરટીઓમાં ૧૯૯૭માં ૩૩૩૬૨ વાહનો નોંધાયા હતાં. તે પછીના વર્ષોમાં ઉત્તરોત્તર વધારો થતાં ૨૦૧૦-૧૧માં કુલ નોંધાયેલા વાહનોની સંખ્યા ૩,૩૬,૭૪૮ પહોંચી હતી. એટલે કે, ૧૪ વર્ષમાં ૩૦૩૩૮૬ વાહનો ઉમેરાયા છે. વર્ષ ૨૦૧૧-૧૨ના અંતે આરટીઓમાં કુલ ૩,૭૯,૧૩૦ વાહનો રજિસ્ટર થયેલા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રથમ હાઇટેક અને સંપુર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ પેપર લેસ કચેરી ગાંધીનગર આરટીઓ છે. ડાઇવિંગ ટેસ્ટ માટે સેન્શર ટ્રેક અને નંબર પ્લેટમાં આધુનિકરણની સિસ્ટમ છે. પરંતુ હેડ ક્લાર્ક, સિનિ. કલાર્ક અને પીઆરઓની મહેરબાનીથી આરટીઓમાં બેરોકટોક એજન્ટરાજ ચાલી રહ્યું છે.

નગરના માર્ગો પર દોડતી ૪૦થી ૭૦ લાખ સુધીની કાર

૨૦૧૨-૧૩માં ગાંધીનગર આરટીઓમાં ૮૪ લક્ઝુરિયસ કાર નોંધાઇ હતી. તેમાં મર્સીડીઝ, બીએમડબલ્યુ, સ્કવોડા, આઉડી, જગુઆર, હોન્ડા-સીઆરવી, એક્સટ્રેલ, પઝેરો, પસાઝ, રેન્જ રોઅર, ફ્રીલેન્ડર, રિનોલ્ટ, મર્સીડીઝ, બેન્ઝ-એસ ક્લાસનો સમાવેશ થાય છે. મોટા ભાગની કારની કિંમત ૪૦થી ૭૦ લાખ સુધીની છે.

ઓફિસમાં ફરતા એજન્ટોને જોઇને એવું લાગે કે આતો વર્ષો જૂના કર્મચારી હશે

ગાંધીનગર આરટીઓમાં શરૂઆતના વર્ષે ૧૯૯૨માં ૨૬ કર્મચારીઓનુ મહેકમ હતું તે પછી કોર્પોરેટ હાઉસ જેવી ઓફિસ બની છતાં તેમાં જાજો ફરક પડયો નથી. વર્ષ ૨૦૦૦ની સાલમાં જિલ્લાઓનું વિભાજન થતા માણસા, કલોલ અને દહેગામ તાલુકા ગાંધીનગરમાં સમાવાયા હતાં. ત્યારથી આરટીઓ કચેરીમાં ત્રણ તાલુકાના કામનું ભારણ વધ્યું છે તેમ છતાં સ્ટાફ આજે પણ ઓછો હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યાં છે. કર્મચારીઓ કરતાં પાંચગણાં એજન્ટો જોવા મળે છે. કચેરીમાં કામ કરતા એજન્ટોને જોઇને એવું લાગે કે આતો વર્ષો જૂના કર્મચારી હશે.