• Gujarati News
  • Lock Opened With Duplicate Key And Loot Of 2.70 Lakh In Sughad

સુઘડમાં ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલી ૨.૭૦ લાખની મતાની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેર તથા જીલ્લામાં ચોરી, તસ્કરી જેવા વધતાં જતાં ગુનાખોરીનાં બનાવો અટકાવવામાં નિષ્ફળ પોલીસ આવા બનાવોમાં પોલીસ ચોપડે ફરીયાદ ન નોંધાય તેવા તમામ પ્રયાસો કરવાની સાથે બર્કીગ પ્રથા અપનાવી રહી છે. શહેર નજીક આવેલા સુઘડ ગામે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી તસ્કરો બે લાખ રોકડા તથા ૭૦ હજારનાં દાગિના ઉપાડી ગયાં હતા. આ ઘટનામાં પોલીસે બનાવનાં છેક ૮ દિવસ બાદ ફરીયાદ લીધી હતી અને આ ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગાંધીનગર પાસે આવેલા સુઘડ ગામે એટલાન્ટીક પાર્ક સોસાયટીમાં ગત તા ૧૭મીનાં રોજ ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી મકાનનાં દરવાજાનું તાળુ ખોલી રૂ. બે લાખ રોકડા તથા રૂ. ૭૦ હજારની કિંમતનાં દાગિના ઉઠાવી ગયા હતાં. આ ઘટનામાં મકાન માલીક સંગીતાબેન પરાગભાઇ મહેતા સાંજે બહારથી ઘરે પરત ફર્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જેઓ આ અંગે ફરીયાદ કરવા અડાલજ પોલીસ સ્ટેશને દોડી ગયા હતાં.

પરંતુ તેઓની ફરીયાદ છેક બનાવના ૮ દિવસ બાદ તા ૨૫મીનાં રોજ પોલીસે નાછુટકે લીધી હતી.જેનાં પરથી ગુનાખોરી અટકાવવામાં નિષ્ફળ પોલીસ સામાન્ય નાગરીકોની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાય નહીં તેવા તમામ પ્રયાસો કરતી હોવાનું માલુમ થાય છે. નાગરીકોનાં હિત પ્રત્યે બેદરકાર પોલીસ હકીકતમાં બનતા ગુનાં કાગળ પર લાવ્યા પછી પણ બકીઁગ પ્રથા અપનાવી પોતાનાં ઉપરી અધિકારીઓ તથા મિડીયાથી હકીકત છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જેનાં કારણે હકીકતમાં બનતા ગુનાઓની માહિતી લોકો સુધી ન પહોંચતાં પોલીસની નિષ્ફળતાનું સાચુ દ્રશ્ય લોકો સમક્ષ આવી ન શકે.!

ઉપરાંત કોબા પાસે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્વનાં શાંતિનાથ મંદિરમાં દર્શન કરવા આવેલો શખ્સ ભગવાનની પંચધાતુની રૂ. ૧૫ હજારની કિંમતની મૂર્તિ ઉપાડી ગયો હતો. આ ઘટનામાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ત્રિવેદી પિયુષભાઇએ ભગવાનની મૂર્તિની ચોરી બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.