ગાંધીનગર : સંભવિત રોગચાળા સામે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તાકિદની બેઠકમાં તમામ તબીબી સ્ટાફને એલર્ટ રહેવા ડીએચઓનો આદેશ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં તાજેતરમાં પડેલી કાળઝાળ ગરમીના કારણે પાણીજન્ય રોચાળો ફેલાવાની દહેશત વર્તાઇ રહી છે. તેને અનુલક્ષી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તંત્રને એલર્ટ કરી કડક આદેશ આપવામાં આવ્યાં છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સંભવિત રોગચાળા સામે જાગૃત રહેવા ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવ્યાં છે. તાકિદની બેઠકમાં જિલ્લાના ૨૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૮ સીએચસી તેમજ ૫ અર્બન હેલ્થ સેન્ટરના તબીબ સહિતના સ્ટાફને હાજર રાખવામાં આવ્યો હતો. તે તમામને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ જાગાણીએ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફેલાય નહીં તે માટે એલર્ટ રહેવા આદેશ કર્યો હતો અને જરૂરી તમામ દવાઓ અને સારવારના સાધનો હાજર સ્ટોકમાં રાખવાની તાકિદ કરી હતી.
કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના બનાવને અચકાવવા જનજાગૃતિ કેળવવા કહેવામાં આવ્યું હતું . તે માટે લૂ લાગવાના કારણો અને લાગ્યા પછી શું કરવુ તેમજ લૂના આક્રમણનો કેવી રીતે બચાવ કરવો વગેરે બાબતોથી ગ્રામ્ય પ્રજાને વાકેફ કરવા આદેશ કરાયો હતો.
ડૉ.જાગાણીએ લગ્ન સમારંભોમાં ખાસ તકેદારી રાખવાની પણ સૂચના આપી હતી. મેળાવડાઓમાં વપરાતા પાણીની ચકાસણી કરવા પણ જણાવાયુ હતું. વાસી ખોરાકનો નાશ કરાવવાની સૂચના પણ આપવામાં આવી હતી. લારી-ગલ્લા, ઠંડા પીણા અને શરબતનો વેપાર કરનારા, નાસ્તાની લારીઓ અને ખાણી-પીણી બજારમાં ખાસ તપાસ ચાલુ રાખી અખાદ્ય ખોરાકનો નાશ કરવા જણાવ્યું છે.
પાણીના લીકેઝ બંધ કરવા અને કલોરીનેશન માટે તાકિદ
તમામ ગામની અંદર પાણીની પાઇપ લાઇનો ચેક કરવા અને કોઇ લીકેઝ હોય તો શોધી કાઢી તાકિદે બંધ કરાવી દેવા બેઠકમાં ખાસ જણાવાયુ હતું. તેમજ પીવાના પાણીમાં પુરતા પ્રમાણમાં કલોરીનેશન જળવાય છે કે કેમ તેની તપાસ કરવા ખાસ કહેવામાં આવ્યું હતું.