બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા ૨૦૦ લીટર ઉકાળાનો ઉપયોગ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગાંધીનગર જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા દહેગામ તાલુકાના ૨૧ ગામની સ્કૂલના બાળકોને ઉકાળો પીવડાવવાનું શરૂ
-ચાંદીપુરમ સામે રામબાણ ગણાતા આયુર્વેદ ઉકાળોનો સહારો
ગાંધીનગર: જિલ્લાનાં દહેગામ તાલુકામાં ચાંદીપુરમ માટે એલર્ટ કરાયેલા ૨૧ ગામના બાળકોને રોગ સામે રક્ષણ આપવાના આશયથી જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઉકાળો પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. હાલની ચોમાસાની ઋતુમાં થતાં રોચાળા સામે પણ બાળકો નિરોગી રહી શકશે. ડીડીઓના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનું આયોજન રાજ્યમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.ભાવનાબેન પટેલે જણાવ્યું કે ચાંદીપુરમ ફેલાવતી રેત માખી મોટાભાગે બાળકોને જ ઝપટમાં લેતી હોય છે. જે બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા બાળકો ચાંદીપુરમનો શિકાર ઝડપથી બનતા હોય છે. જેથી બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં આવે તો ચાંદીપુરમમાં સપડાતા બાળકોને આપણે બચાવી શકીએ. તેવા આશયથી જિલ્લા વિકાસ અધિકારી વિકટર મેકવાન સાથે બેઠક યોજીને ચાંદીપુરમ સામે રામબાણ ગણાતો ઉકાળો પીવડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશી ઉપચારની કોઇ આડ અસર નથી. આ ઉકાળો પુખ્ત વર્ગના અશકતા લોકોને પણ આપી શકાય તેવો આરોગ્ય વર્ધક અને શરીરને નિરોગી રાખવા માટે સક્ષમ હોવાના ગુણ તેમાં સમાયેલા છે.
ચાંદીપુરમથી પાલુન્દ્રા ગામના બાળકનું મોત થયા પછી જિલ્લા આરોગ્ય તંત્રએ રોગચાળા માટે સંભવિત મનાતા તાલુકાના ૨૧ ગામમાં રેત માખી નાબુદી, દવા છંટકાવ, સર્વેલન્સ તેમજ દરેક ગામમાં આપીડી સહિતની કામગીરી શરૂ કરી છે. તેમાં બાળકોને આયુર્વેદ ઉકાળો પીવડાવવાનું નવુ અભિયાન શરૂ કરાયુ છે.
કેટાલા બાળકોને ઉકાળો પીવડાવાશે
દહેગામ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તરકની ૨૫ પ્રાથમિક શાળાના ૫ હજારથી વધુ બાળકોને આ ઉકાળો પીવડાવવામાં આવશે. તેની શરૂઆત આજે ભાદવી પૂનમથી કરવામાં આવી છે. આ અભિયાન ૩ દિવસમાં પુરુ કરવા માટે મેડીકલ ઓફિસર અને આશા વર્કર બહેનોની મદદ લેવાઇ રહી છે. પ્રથમ દિવસે આજે ૪૦ લીટર ઉકાળો બનાવીને બાળકોને પીવડાવાયો હતો.
ક્યા ક્યા ગામની શાળાઓને આવરી લેવાશે
પાલુન્દ્રા, ચીસકારી, દેવ.મુવાડા, હરખજીના મુવાડા, હીપુરા-દેવપુરા, અરજણજીના મુવાડા, હાથીજણ, કનીપુર, કમલબંધ, વાસણા, ઝાલાના મુવાડા, ઇસનપુર ડોડિયા, થડાકૂવા, થાંભલીયા, ડુમેચા, શિયાવાડા, વાસણા સોગઠી, ભુતેશ્વરી, બારડોલી, અમરાભાઇના મુવાડા અને ભોય વડોદરા ગામની શાળાઓના બાળકોને આવરી લેવાશે.
ઉકાળામાં શું શુ હશે
આ ઉકાળામાં ગળો, તુલશી, સુદર્શન, ત્રફિળા, દેશી ગોળ, ત્રીકૂટ, સૂંઠ, મરી અને પીપરનો સમન્વય તેના ગુણધર્મના આધારે કરવામાં આવ્યો છે.