• Gujarati News
  • Gujarat Government's 'Abhayam' Women Helpline Help Girl's Family

મુકબધીર યુવતીનાં ગેરવર્તન સામે ‘181’ નાં કાઉન્સેલરનું સફળ કાઉન્સીલીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ મહિલા સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી ‘181 વુમન હેલ્પ લાઇન’ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને છોડાવીને મદદ કરે છે. પરંતુ ગાંધીનગરમાં આ મહિલા હેલ્પલાઇન દ્વારા એક બહેરી-મુંગી યુવતીનું કાઉન્સીલીંગ કરીને સંતોષકારણ કામગીરી કરી અનોખી પહેલ કરી છે. પરીવારજનોને પરેશાન કરી મુકનાર યુવતીને સમજાવવા ખુદ યુવતીની માતાને હેલ્પલાઇનની મદદ લેવાની જરૂર પડી હતી.
ઘરેલુ હિંસા તથા અન્ય તત્વો દ્વારા મહિલાઓની થતી સતામણીમાં મહિલાઓને પડખે ઉભા રહેવા રાજય સરકાર દ્વારા ગાંધીનગર, અમદાવાદ સહિતનાં કેટલાંક શહેરોમાં 181 મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઇનનાં કાઉન્સેલરર્સનાં પ્રયાસથી મોટાભાગનાં કિસ્સાઓમાં સમાધાન થઇ જતા હોય છે. પરંતુ ગાંધીનગરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતા એક ભદ્ર પરીવારની એક દિકરી જન્મથી જ બહેરી તથા મુંગી જન્મી હતી. તેણીને આ ખોડને લઇને લાગણી દુભાય નહી તે માટે પરીવારજનોએ ફુલની જેમ ઉછેરી. પરંતુ લાડકોડની આ દિકરી પણ અવળી અસર થઇ અને સ્વભાવ ચિડીયો બનવા લાગ્યો. યુવતી બનીને લગ્ન થયા પરંતુ તેમનાં આ વર્તનનાં કારણે સાસરીયામાંથી પિયરમાં પરત ફરી. પિયરમાં પણ સ્વભાવ ચિડીયો રહેતા તોડફોડ કરી પરીવારને પરેશાન કરી મુક્યો. પરીવારની મર્યાદાએ હતી કે દિકરી સાંભળી કે બોલી ન શકતી હોવાથી સમજાવવી કઇ રીતે ? યુવતીની ધમાલ દિવસેને દિવસે વધતી જતી હતી. યુવતીની માતાને કોઇ રસ્તો ન દેખાતા આખરે મહિલા હેલ્પલાઇનને ફોન કરી કોઇ મદદ કરી શકતા હોય તો વિનંતી કરી હતી. વુમન હેલ્પલાઇનનાં કાઉન્સીલર ભાવનાબેન મકવાણાએ યુવતીનાં પરીવાર સાથે યુવતીને પાસે બેસાડીને કાગળ પર લખીને સતત બે કલાક સુધી વાતચિત કરી સમજાવી હતી. આખરે આ યુવતીને પોતાનાં વર્તનથી થઇ રહેલી સમસ્યા તથા પરીવારજનોની લાગણી સમજાતા સ્થળ પર જ માતાની તથા પરીવારજનોની માફી માંગી હતી. યુવતીનાં પરીવારજનો પણ આ પરીવર્તન જોઇને ગદગદીત થઇ ગયા હતા. પોતાની દિકરીને આ નવા ચહેરા માટે મહિલા હેલ્પલાઇન તથા કાઉન્સેલર બહેનનો આભાર માની પરીવર્તન પામેલી દિકરીને લઇને રવાના થયા હતા.
કાઉન્સીલર ભાવનાબહેને આ પ્રસંગે હેલ્પલાઇનની કામગીરી દરમિયાન થતા આવા સુખદ પ્રસંગોને લઇને જણાવ્યુ હતુ કે 181 હેલ્પલાઇમ મહિલાઓનાં તથા સમાજનાં હિતને લઇને પોતાનાથી શક્ય તમામ પ્રયાસ કરવા હંમેશા તત્પર રહે છે.