પાનસરમાં ગરબાની અદાવતે જૂથ અથડામણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારામારી અને પથ્થરમારામાં 9ને ઇજા 300ના ટોળા સામે ગુનો દાખલ

ગાંધીનગર: કલોલ કોલેજમાં ગરબાના આયોજન દરમિયાન રબારી અને દરબાર જૂથના યુવાનો વચ્ચે થયેલી અદાવતને લઇને આ જૂથો ગતરાત્રે પાનસર ગામે સામ સામે આવી ગયા પછી થયેલી હાથોહાથની મારામારી અને બેફામ પથ્થરમારાનાં પગલે 9 શખ્શોને ઇજા થઇ હતી. જો કે મામલો કાબુ બહાર જાય તે પહેલા આવી પહોંચેલી પોલીસે સામસામી ફરિયાદ પરથી 300 તોફાની તત્વો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કલોલ કોલેજમાં શનિવારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રબારી અને દરબાર જૂથના યુવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ વાત મારામારી પર પહોંચી ગઇ હતી. પરંતુ સ્થળ પોલીસ આવી પહોંચતા મામલો થાળે પડી ગયો હતો. આ બનાવમાં ઝગડો કરનારામાં બન્ને પક્ષે પાનસર ગામના યુવાનો હતાં અને એક બીજાને જોઇ લેવાની ધમકીઓ અપાઇ હતી. આખરે બપોરના બનાવના પડઘા ફરી રાત્રે પડ્યાં હતાં.

પાનસર ગામે બન્ને જૂથના યુવાનો ફરી સામ સામા આવી ગયા હતાં અને લાકડી-ધોકા જેવા હિથયારો લઇને એક બીજા પર તૂટડી પડ્યા હતાં. ઉપરાંત સામ સામે પથ્થરમારો કરતાં બન્ને પક્ષના મળીને 9 શખ્સોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવના પગલે ગામમાં નાશભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બબાલ પર અંકુશ મેળવવાની સાથે સામ સામી ફરિયાદના આધારે 300 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.