વડાપ્રધાનના આગમન પહેલાં જ પાટનગર લશ્કરી છાવણી બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ગાંધીનગર સીટી)
એસપી કક્ષાના ૯ અને 215 અધિકારી સહિ‌ત 1500 પોલીસ ઉપરાંત પેરા મિલેટ્રી ફોર્સની પ કંપની તૈનાત રહેશે
ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની પ્રથમ મૂલાકાત સમયે તેમની સુરક્ષાના મુદ્દે પોલીસ હરકતમાં આવી ગઇ છે. પાટનગરમાં અભેદ સુરક્ષા કવચ ઉભુ કરવામાં આવશે. તેના માટે જિલ્લા પોલીસ વડા કક્ષાના ૯ અને ૨૧પ અધિકારી સહિ‌ત ૧પ૦૦ પોલીસ ઉપરાંત પેરા મિલેટ્રી ફોર્સની પ કંપની તૈનાત કરવામાં આવશે. આ તમામ પોલીસ કાફલો તા. ૧૪મીથી જ પોતાની પોઝિશન સંભાળી લેશે. મતલબ કે પાટનગર લશ્કરી છાવણીમાં ફેરવાઇ જવાનું છે.જિલ્લા પોલીસના સતાવાર સુત્રોના જણાવવા પ્રમાણે વડાપ્રધાનનાં સુરક્ષા બંદોબસ્ત માટે ૯ એસપી, ૪ એએસપી, ૨પ ડિવાયએસપી, પ૦ ઇન્સપેક્ટર, ૧૪૦ ફોજદારને જવાબદારી સોંપવામાં આવી છે.
તેમની સાથે વિવિધ સ્થળોએ મળીને ૧૦૦૦ જમાદાર અને કોન્સ્ટેબલ, ૧૦૦ મહિ‌લા પોલીસ, ૧પ૦ ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. ઉપરાંત ૭પ કમાન્ડો, ક્વીક રિસ્પોન્સ ટીમની ૩ ટુકડી, સીઆરપીએફની ૩ અને એસઆરપીની ૨ કંપનીઓના જવાનોને ખડેપગે કરવામાં આવશે. પાટનગરમાં તમામ માર્ગો, જાહેર સ્થળો ઉપરાંત નગરના પ્રવેશ નાકાઓ તથા મહાત્મા મંદિર, સચિવાલય, રાજભવન અને મંત્રી નિવાસ સ્થાન સહિ‌તના સ્થળો પર પોલીસ અને સુરક્ષા જવાનોની બાજ નજર રહેશે. ઉપરાંત શહેરમાં દિવસ અને રાતના ધોરણે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. રવિવારથી શરૂ કરીને તા.૧૭મીના બુધવાર સુધી આ બંદોબસ્ત રાખવામાં આવશે.