ભાજપને રાજકીય સોગઠી મારી : કોંગ્રેસ પાસેથી ગાંધીનગર મહાપાલિકા ખુંચવી લીધી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાંધીનગર મહાપાલિકા આખરે ભાજપના કબજામાં
- કોંગ્રેસના ૧પ વિરુદ્ધ મેયર સહિ‌ત ૩ અને ભાજપના ૧પ મળી ૧૮ મતથી સ્થાયી સમિતિ અંકે કરી લીધી


ગાંધીનગરની નવ રચિત મહાપાલિકામાં સતાનું સુકાન શહેરની પ્રજાએ તો કોંગ્રેસને સોંપ્યુ હતું. પરંતુ રાજકારણ નામની બલાને કામે લગાડીને આખરે ભાજપે મહાપાલિકા પર કબજો જમાવવામાં સંપૂર્ણ સફળતા મેળવી લીધી છે. મેયર સહિ‌ત ત્રણ નગર સેવક સામેની પક્ષાંતર ધારા ભંગ સંબંધિ ફરિયાદનો કોઇ નિવેડો આવે તે પહેલા ભાજપનાં બુદ્ધીબળે આ ખેલ પાડી દીધો છે. તા. ૧૪મીએ મળેલી ખાસ સભામાં કોંગ્રેસના ૧પ વિરુધ્ધ મેયર સહિ‌ત ૩ † ભાજપના ૧પ મળી ૧૮ મતથી સ્થાયી સમિતિ ભાજપે અંકે કરી લીધી હતી.

ગત તા. ૧૭મીએ મળેલી સામાન્ય સભામાં સ્થાયી સમિતિના નવા સભ્યોની પસંદગી માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ દિવસે મેયર મહેન્દ્રસિંહ રાણા અને તેની સાથે જ પક્ષાંતર કરીને ભાજપમાં જોડાયેલા નગર સેવક સુભાષ પાંડવ અને હંસાબેન મોદીના મત કવરમાં મૂકીને તેને સીલ કરાયું હતું. ગત તા. ૯મીએ હાઇકોર્ટે ઉપરોક્ત મત ખોલવા આદેશ આપતાં ભાજપના બહુમતી સભ્યોની સહિ‌ સાથેની માગણીના પગલે મેયરે સતાની રૂએ ખાસ બેઠક તા. ૧૪મીએ બોલાવી હતી. તેમાં ગુપ્તપ્ત રખાયેલા ત્રણ મત ખોલવાની સાથે ગણતરી કરવામાં આવતાં સ્થાયી સમિતિના નવા ૬ સભ્ય તરીકે ભાજપી નગર સેવક જ પસંદ થયાં હતાં.

સવારે ૧૧ વાગ્યાના ટકોરે બોલાવવામાં આવેલી બેઠકમાં કોંગ્રેસના સભ્યોના ભાગે હો-ગોકીરો કરવા સિવાયની કોઇ કામગીરી કરવાનું રહ્યું ન હતું. મેયર સહિ‌તના ત્રણ પક્ષાંતર કરનાર સભ્યોના ભાજપ તરફી મતદાનના કારણે સતાના પાસા પલટાઇ ગયાં હતાં.

કોંગ્રેસી સભ્યોનો વોક આઉટ અને સુત્રોચ્ચાર

સભાની શરૂઆતે જ કોંગ્રેસી સભ્યોએ તીખાં તેવર બતાવવા શરૂ કર્યાં હતાં. પરંતુ બાજી તેમની નહીં હોવાનું તેઓ જાણતાં જ હતાં. આખરે બૂમ બરાડા જેવા સુત્રોચ્ચાર કરતાં તેઓએ સભામાંથી વોક આઉટ કર્યો હતો. બહાર નીકળ્યાની થોડી વારમાંજ તેઓએ મનપાની કચેરી પણ છોડી દીધી હતી.

ભાજપી સભ્યોને હાર તોરા અને આતશબાજી

હાઇકોર્ટના આદેશ પ્રમાણે મેયર સહિ‌તના ત્રણ ગુપ્તપ્ત મત ખોલવાની સાથે સ્થાયી સમિતિના નવા ૬ સભ્યો ભાજપના પસંદ થઇ ગયાં હતાં. તમામ ભાજપી સભ્યોએ તેમને ગળામાં ન સમાય તેટલાં હાર તોરા કર્યાં પછી ભારત માતાકી જયનાં નારા લગાવતાં સભ્યોએ નીચે જઇને સંકુલમાં ફટાકડાં ફોડયાં હતાં.

નવા ૬ સ્થાયી સભ્યોમાં કોનો સમાવેશ કરાયો

મનપાની સ્થાયી સમિતિમાં નવાં આવેલા ૬ સભ્યોમાં ભાજપના નગર સેવક આશિષભાઇ દવે, મનુભાઇ પટેલ, દેવેન્દ્રસિંહ ચાવડા, શંકરભાઇ ચૌધરી, સંદિપભાઇ જ્યોતિકર અને રાકેશભાઇ પટેલનો સમાવેશ થાય છે.

હવે ડે. મેયર પદનો ઘડો લાડવો કરવા કવાયત થશે

મહાપાલિકામાં મેયર ભાજપના થઇ ગયાં પછી સ્થાયી સમિતિ ભાજપની થઇ ગઇ છે. આગામી તા. ૧૭મી સ્થાયી સમિતિના નવા ચેરમેનની વરણી માટે બેઠક બોલાવાઇ છે. તે સાથે હવે પદાધિકારીમાં એક માત્ર કોંગ્રેસી રહેલા ડે. મેયર યુસુફભાઇ પરમારની મુદત પુરી થતી હોવાથી આ પદ પર ભાજપના નગર સેવકને ગોઠવી દેવા કવાયત શરૂ થઇ ગઇ છે.

૩/૧૧/૨૦૧૨થી બદલાયા સત્તાના સમીકરણો

બે વર્ષ પહેલા ગુજરાત સ્થાપના દિવસથી ગાંધીનગરમાં રાજ્યની ૮મી મહાપાલિકા અસ્તિત્વમાં આવી હતી. શહેરની આગેવાન સંસ્થા જાગૃત નાગરિક પરિષદે હાઇકોર્ટમાં કરેલી જાહેર હિ‌તની અરજીનો ચૂકાદો સરકારની વિરુદ્ધમાં આવતાં સરકારે ઇચ્છા ન તેવા છતાં મહાપાલિકા આપવી પડી હતી. મુખ્યમંત્રીએ ત્યારે એવો કટાક્ષ પણ કર્યો હતો, કે અત્યાર સુધી અમે ગામનો કચરો વાળતા હતાં. હવે તમે (પ્રજા) વાળજો.

ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં ૩૩ વોર્ડ પૈકી ૧૮ બેઠક કોંગ્રેસને અને ૧પ બેઠક ભાજપને મળતાં મનપામાં કોંગ્રેસે સતાના સુત્રો સંભાળ્યાં હતાં. સ્વાભાવિક રીતે તે દિવસથી જ રાજ્યની ભાજપ સરકારે મનપા સાથે ઓરમાયું વલણ રાખ્યું હતું. પરિણામે આજ સુધી મનપા તંત્ર શહેરનો કચરો વાળવા ઉપરાંત કોઇ કામ કરતું નથી. આખરે તા. ૩-૧૧-૨૦૧૨નાં દિવસે મેયર સહિ‌ત ત્રણ નગર સેવક ભાજપમાં જોડાતાં સમીકરણ બદલાવા સાથે કાયદાની લડત શરૂ થઇ તેનો હજુ અંત આવ્યો નથી અને તે પહેલા ભાજપે સ્થાયી સમિતિમાંથી પણ કોંગ્રેસને ખદેડી મુકવામાં સફળતા મેળવી લીધી છે.

મેયર ઉવાચ: ભાઇ હું ભાજપમાં જ છું

ગાંધીનગર મહાપાલિકાની ખાસ બેઠક પૂર્ણ થયાં બાદ પત્રકારોએ ચલાવેલા પ્રશ્નોના માર વખતે મેયર મહેન્દ્રસિંહ રાણાએ ગાંધીનગરનો વિકાસ કરવાની વાત કરવાનું રટણ ચાલુ રાખવાનું વલણ અપનાવવા સાથે 'નો કોમેન્ટ’નો આશરો લીધો હતો. પરંતુ જ્યારે હાલની સ્થિતિએ ક્યા પક્ષમાં છે? માત્ર આ પ્રશ્નનો પક્ષના નામ સાથે જવાબ આપવા દબાણ કરાયું ત્યારે મેયરે 'ભાઇ હું ભાજપમાં જ છું’, તેમ જણાવ્યું હતું. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે રાજ્યના નામોદષ્ટિ અધિકારી સમક્ષના જવાબમાં તમે કોંગ્રેસ છોડી ન હોવાનું અને ભાજપમાં જોડાયા ન હોવાનું સોગંદનામું કર્યું છે. ત્યારે મેયરે નો કોમેન્ટ કહેવા સાથે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવાનું કહ્યું હતું.

એ મેયરની અંગત વાત છે: મનુભાઇ

મેયરના પક્ષાંતરનો મામલો હાલ ચર્ચાનો વિષય છે. હકીકત એ છે, કે ભાજપમાં જોડાયાની સતાવાર જાહેરાત પછી તેમણે ભાજપનું પ્રાથમિક સભ્ય પદ લીધું નથી. કે કોંગ્રેસનું પોતાના તરફથી છોડયું નથી. આ સંજોગોમાં તેઓ ક્યા પક્ષમાં છે. તેવા પત્રકારોના સતત સવાલ વખતે તેમની સાથે બેઠેલા એક વખતના વિરોધ પક્ષના નેતા અને સ્થાયી સમિતિના ચેરમેન કે ડે. મેયર પદના દાવેદાર ગણાતાં મનુભાઇ પટેલે કહ્યું હતું કે કોર્ટમાં શું જવાબ આપવો અને જાહેરમાં શું જવાબ આપવો તે મેયરની અંગત બાબત છે.

તા. ૧૭મીએ સ્થાયી ચેરમેનની વરણી

સ્થાયી સમિતિના નવા છ સભ્યોની વરણી કરવામાં આવ્યાં બાદ મેયર દ્વારા સ્થાયી સમિતિના નવા ચેરમેનની વરણી કરવા માટે આગામી તા. ૧૭મીએ સામાન્ય સભા બોલાવવા કહેતાં મ્યુનિસિપલ સેક્રેટરી પીનાકીનભાઇ જોશીએ તેનો એજન્ડા તૈયાર કર્યો હતો.

હવે મામલો સુપ્રીમમાં પહોંચી શકે છે

રાજ્યની ૮મી મહાપાલિકા બનેલા ગાંધીનગરે મનપામાં સર્જાયેલા કાયદાકીય ધિંગાણાના પગલે ભારે ચર્ચા જગાવી છે. ત્યારે હાઇકોર્ટમાં હાથ હેઠે પડયાં પછી કોંગ્રેસ દ્વારા ભાજપને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.