ગાંધીનગર: ત્રીજા નાણાપંચે રાજ્યપાલને રિપોર્ટ સોંપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને નાણાં ફાળવણીની વૈજ્ઞાનિક ફોમ્ર્યુલા રજૂ થઈ
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સક્ષમ બનાવવા ૧૦૦થી વધુ ભલામણો
- રાજ્યપાલને સોંપેલો રિપોર્ટ વિધાનસભામાં બજેટ સત્રમાં રજૂ થાય તેવી શક્યતાઓ


રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ, ૧પ૯ નગરપાલિકાઓ અને અઢાર હજાર જેટલી ગ્રામ પંચાયતોને નાણાકીય સુદૃઢતા આપવા સરકારની આવકમાંથી કેવી અને કેટલી નાણાકીય ફાળવણી કરવી તેનો સઘન અભ્યાસ કરી સુગ્રથિત ભલામણો સાથેનો પોતાનો રિપોર્ટ તૈયાર કરી ગુજરાત રાજ્ય ત્રીજા નાણાપંચે રાજ્યપાલને સુપરત કર્યો છે. સંભવત: જૂન મહિ‌નાના અંતમાં યોજાનારા વિધાનસભાના બજેટ સત્રમાં આ રિપોર્ટ ગૃહના મેજ પર મૂકવામાં આવે તેવી શક્યતા છે. ત્રીજા નાણાં પંચના અધ્યક્ષ ડો. ભરત ગરીવાલા તથા પંચના સભ્ય યમલ વ્યાસ, સભ્ય સચિવ ડી. એન. પાંડે અને અન્ય અધિકારીઓ રાજ્યપાલ ડો. કમલાજીને મળ્યા હતા અને તેમને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો.

કેન્દ્ર સરકારે ૧૯૯૨-૯૩માં બંધારણીય સુધારો કરી તમામ રાજ્યોને પોતાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાકીય સુદૃઢતા માટે રાજ્ય નાણાકીય પંચની રચના કરવાની સત્તાઓ આપી દરેક રાજ્ય માટે તે ફરજિયાત બનાવ્યું હતું. ૨૦૧૧માં બીજી ફેબ્રુઆરીએ રાજ્યપાલે ત્રીજા નાણાં પંચની જે રચના કરી હતી, તેણે ગુરુવારે પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. પંચના અધ્યક્ષ ડો. ભરત ગરીવાલાએ રિપોર્ટની વિગતો કે ભલામણો અંગે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. આ એક બંધારણીય સંસ્થાનો રિપોર્ટ હોવાથી એક વખત વિધાનસભાની મેજ પર તે રજૂ કરવામાં આવે તે પછી જ તેની વિગતો જાહેર થઈ શકે.

તેમણે એટલું કહ્યું હતું કે, દેશમાં પહેલી વખત રાજ્યના ત્રીજા નાણાં પંચે પંચાયતોથી માંડી મહાનગરપાલિકાઓને રાજ્યના વેરાઓની આવકની કેવી રીતે ફાળવણી કરવી તેની વૈજ્ઞાનિક ફોમ્ર્યુલા રજૂ કરી છે. દેશના અન્ય રાજ્યોમાં હજુ સુધી કોઈ નક્કર ફોમ્ર્યુલાના આધારે આવકની વહેંચણી થતી નથી. કદાચ ગુજરાતે આ દિશામાં પહેલ કરી છે. સૂત્રો મુજબ, અંદાજે સોથી વધુ વિવિધ ભલામણો આ રિપોર્ટમાં છે.

અગાઉની ભલામણોના અમલમાં ઠાગાઠૈયા

અગાઉના બે નાણાં પંચોની જે ભલામણોનો સરકારે સ્વીકાર કર્યો તેમાંથી માંડ ૨૦-૨પ ટકાનો જ અમલ થઈ શક્યો છે. અગાઉ જમીન મહેસૂલ, વ્યાવસાયિક ટેક્સની વહેંચણી, ગ્રામ પંચાયતોને પ્રાપ્ત વેરામાં સુધારા, ગુજરાત પંચાયત નાણાં બોર્ડને પુનર્જીવિત કરવું, પંચાયતોને મળતી ગ્રાન્ટમાં થતા વિલંબને નિવારવા જેવી વિવિધ પાયાની ભલામણોનો સરકારે સ્વીકાર તો કર્યો હતો પરંતુ હજુ અમલ થઈ શક્યો નથી.

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ નાણાકીય સરપ્લસ થશે
એવું પણ માનવમાં આવી રહ્યું છે કે, જો પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોનો સરકાર દ્વારા સુપેરે સ્વીકાર કરવામાં આવે અને તેનો અસરકારક અને ઝડપી અમલ કરવામાં આવે તો આગામી ત્રણ વર્ષમાં રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નાણાકીય સરપ્લસ થઈ શકે છે.