ચૂંટણી કામગીરીથી બચવા કર્મચારીઓનાં હવાતિયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પંચ કર્મચારીઓની યાદી તૈયાર કરી રહ્યું છે ત્યારે
- હજુ નિમણુંકો થાય તે પહેલાં જ અધિકારીઓ પર નામ નહીં રાખવા દબાણ
રાજ્યમાં લોકસભા ચૂંટણીની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે ૨૬ બેઠક પર હેમખેમ ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા ચૂંટણીપંચને હજારો કર્મચારીઓની જરૂર પડવાની છે, પરંતુ ચૂંટણીની કામગીરીમાંથી બાકાત રહેવા કર્મચારીઓ દ્વારા અત્યારથી જ પોતાની વગનો ઉપયોગ કરીને પોતાનું નામ બાકાત રાખવા અધિકારીઓ ઉપર દબાણ કરવાનું શરૂ કરી દેવાયું છે.
પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલા કર્મચારીઓની રજા રદ કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો બીજીતરફ મતદાન, મત ગણતરી, ઇવીએમ, માઇક્રો ઓબ્ઝર્વર, ખર્ચ નિરીક્ષક સહિતની અનેક કામગીરી માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓની આગામી દિવસોમાં નિમણુંક કરવામાં આવશે.
હાલ પંચ દ્વારા કઈ કામગીરી માટે કેટલા કર્મચારીઓની જરૂર પડશે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. બીજી તરફ આ કામગીરીથી બચવા કર્મચારીઓ દ્વારા અત્યારથી જ સક્ષમ અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય કામગીરી હોવા છતાં મોટા ભાગના કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેવા માગે છે ત્યારે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.