• Gujarati News
  • Election Battle In Gandhinagar, BJP Put Down All Accept Leader

જામ્યો ચૂંટણીનો જંગ: ભાજપે પ્રમુખ સિવાય તમામને પડતા મુક્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાંધીનગરમાં જામ્યો ચૂંટણીનો જંગ, શુક્રવારે એકસામટા ૨૩ ફોર્મ ભરાયા
- તાલુકા પંચાયત જાળવવા ભાજપનો વ્યુહ : ૧પ પૈકી ૧૪ સભ્યોને પડતા મૂકાયાં
- વર્તમાન પ્રમુખ સિવાયના સભ્યોની હકાલપટ્ટી ભારે પડી શકે
- શુક્રવારે એક જ દિવસમાં ૨૩ ફોર્મ ભરાતાં આંકડો ૨૯ પહોંચ્યો : ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ
- ગાંધીનગર અને માણસાની શાંતિપૂર્ણ ચૂંટણીના આયોજન માટે તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી
- ધાર્મિ‌ક સ્થળ, હોસ્પિટલ કે સ્કૂલ પાસે ચૂંટણી કાર્યાલય ન રાખવા જિલ્લા મેજીસ્ટ્રેટનો આદેશ
- જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે હથિયારો જમા કરાવવા આદેશ


ગાંધીનગર તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્રો સંભાળતા ભાજપે આગામી પાંચ વર્ષ દરમિયાન પણ શાસન જાળવી રાખવા માટે નો- રિપીટનો વ્યુહ અપનાવ્યો છે. ૩૧ બેઠકો ધરાવતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસની સભ્ય સંખ્યા વચ્ચે માત્ર એક સભ્યનો તફાવત છે. કોંગ્રેસ ૧૬ અને ભાજપ ૧પ સભ્યો ધરાવે છે. તેમ છતાં ગાંધીનગર તાલુકા પંચાયતની શાસનધુરા ભાજપના હાથમાં છે. આ સંજોગોમાં ભાજપની નો રિપીટની થિયરી ભાજપને જ કદાચ ભારે પડે તો નવાઇ નહીં.

૧૭મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૨૯મી જાન્યુઆરીના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. તે દિવસથી જ તાલુકામાં રાજકીય માહોલ જામવાનો શરૂ થઇ ગયો હતો. જો કે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તાલુકા અને ગ્રામ પંચાયત તેમજ માણસા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસના કાર્યકરો તેમજ ચૂંટાયેલા સભ્યોએ પોતાના ગામ અને મતવિસ્તારમાં કેટલા મત પક્ષને અપાવ્યાં અને પક્ષ માટે કેવી કામગીરી ફરજ બજાવી હતી, તેના આધારે બન્ને પક્ષ દ્વારા ટિકીટ ફાળવવાનો તખતો ઘડવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. તે પ્રમાણે બન્ને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારની પસંદગી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના પાંચમા દિવસે શુક્રવારે ૨૩ ફોર્મ ભરાયા હતાં. તેની સાથે હાલ સુધીમાં કુલ ફોર્મની સંખ્યા ૨૯ થવા પામી છે. જો કે આજે બીજી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી વધુ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ જણાઇ રહી છે. અત્યાર સુધીમાં ભરાયેલા ઉમેદવારીપત્રોમાં ભાજપ અને કોંગ્રેસમાંથી ૧૧-૧૧ ફોર્મ ભરાયાં છે. શરૂઆતના દિવસોમાં એક પણ ફોર્મ ભરાયું ન હતું. તે પછીના ચોથા દિવસે ૬ ફોર્મ ભરાયા હતાં અને શુક્રવારે એક સામટા ૨૩ ફોર્મ ભરાયાં હોવાની વિગતો ટીડીઓ દ્વારા જાણવા મળી છે.

ભાજપે માત્ર વર્તમાન પ્રમુખ પોપટભાઇ પટેલને ટિકિટ આપી :

તાલુકા પંચાયતમાં ૧પ સભ્યોનું સંખ્યાબળ ધરાવતા ભાજપે એક માત્ર સભ્ય પોપટભાઇ પટેલને ટીકિટ આપીને રિપીટ કર્યા છે. બાકીના ૧૪ સભ્યોની હકાલપટ્ટી કરવામાં આવી છે. પોપટભાઇ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ પદનો હોદ્દો સંભાળે છે. એટલે ભાજપે માત્ર હોદ્દાને ધ્યાનમાં રાખી એક સભ્યને સાચવી લઇ બીજાને પડતા મૂક્યા હોવાનાં કારણે પક્ષમાં અસંતોષની લાગણી જન્મી છે.

કાર્યકરોમાં ભડકો થવાની ભાજપ જિલ્લા પ્રમુખને દહેશત :

તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે વર્તમાન ૧૪ સભ્યોને પડતા મૂકવા પાછળ પક્ષે અપનાવેલી વ્યુહ રચના અંગે જિલ્લા ભાજપ પ્રમુખ શકુંતલાબેન પટેલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ તેમણે આ અંગે કંઇ જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. વર્તમાન સભ્યોની હકાલપટ્ટીથી ભાજપમાં આંતરિક અસંતોષ ફેલાયો છે અને કાર્યકરોમાં વ્યાપેલી નારાજગી ભડકો બનીને બહાર આવે તેવી સ્થિતિનાં એંધાણ તેઓ પામી ગયાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૨૯ ફોર્મ ભરાયાં :

તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના પાંચમા દિવસે શુક્રવારે ૨૩ ફોર્મ ભરાયા હતાં. તેની સાથે આજ સુધીમાં કુલ ફોર્મની સંખ્યા ૨૯ થવા પામી છે. જો કે આજે ૨ ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી વધુ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ જણાઇ રહી છે. અત્યાર સુધીમાં ભરાયેલા ઉમેદવારીપત્રોમાં ભાજપ અને કોંગ્રેસમાંથી ૧૧-૧૧ ફોર્મ ભરાયાં છે. ચૂંટણીનું જાહેરનામુ ૨૯મી ફેબ્રુઆરીના રોજ પ્રસિધ્ધ થયા બાદ શરૂઆતના દિવસોમાં એક પણ ફોર્મ ભરાયું ન હતું.