એસઆરપીના ૨પ જવાને સીસીસી પ્લસના નકલી સર્ટિ‌ફિકેટ રજૂ કર્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની ભાગોળે આવેલા રાજ્ય અનામત પોલીસ દળના ૨પ જવાનોએ રજૂ કરેલા કોમ્પ્યુટરના સીસીસી પ્લસ પરીક્ષાના સર્ટિ‌ફીકેટ નકલી હોવાનું ખુલવાની સાથે નોંધાવાયેલી ફરિયાદના પગલે પોલીસે ૪ જવાનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં જવાનોએ કોની પાસેથી નકલી પ્રમાણપત્ર મેળવ્યા તેની શોધખોળ શરૂ કરાઇ છે.

થોડાં સમય પહેલાં અડાલજ પોલીસે તથા ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે કોઇ પમ પ્રમાણપત્ર ઉભાઉભ તૈયાર કરી આપતાં ગઠિયાઓને ઝડપી લીધા બાદ આ પ્રકારનું વધુ એક કૌભાંડ બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. એસઆરપી જવાનોના કિસ્સામાં તેમના ડીવાયએસપી પી વી રાવલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં પ્રણાણે ૩૦ જવાનોએ રજૂ કરેલા સીસીસી પ્લસની પરીક્ષા પાસ કર્યાના પ્રમાણપત્ર ખરાઇ કરવા માટે ગાંધીનગરમાં આવેલી સરકારી પોલિટેકનીકમાં મોકલવામાં આવ્યા બાદ આ પૈકીના ૨પ પ્રમાણપત્ર નકલી હોવાનો રિપોર્ટ મળ્યો હતો.

પોલિટેકનીકના રિપોર્ટના પગલે સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ બારામાં સેક્ટર-૨૯માં રહેતાં શૈલેષ ગોવિંદભાઇ પટેલ, સેક્ટર-૨૧માં રહેતાં રામદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, અમદાવાદ રહેતા યુનુસ અયુબભાઇ ખણુચીયા અને ભાવેશ વિષ્ણુભાઇ રાણા નામના એસઆરપી જવાનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી સરૂ કરી છે.

ક્રાઇમ બ્રાંચના ઇન્સપેક્ટર આષુતોશ પરમારના જણાવવા પ્રમાણે બાકી રહેલા એસઆરપી જવાનોના નામ-સરનામા માગવામાં આવ્યાં છે. દરેકની પૂછપરછ કરીને તેઓએ નકલી પ્રમાણ પત્ર કોની પાસે તૈયાર કરાવ્યાં તે જાણીને મુખ્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. દરમિયાન ચિલોડા પાસેના કોઇ સ્ટૂડિયોમાંથી આ ગોરખ ધંધા કરાયાની માહિ‌તી મળતાં તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.