'માતા-પિતાના હ્રદયની વેદના માત્ર દીકરી જ પારખી શકે છે'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાના હ્રદયની સૌથી નજીક કોઇ હોય તો તે એક માત્ર દિકરી જ છે. જેથી દરેક પરિવારમાં દિકરી અવતરવી જ જોઇએ. કારણ કે પિતાના હ્રદયની વેદના માત્ર પુત્રી જ પારખી શકે છે. તેમ લોક સાહિત્યકાર સુખદેવ ગઢવીએ ગાંધીનગરના ટાઉનહોલમાં યોજાયેલા ‘દિકરી વ્હાલનો દરિયો’ કાર્યક્રમમાં ઉચ્ચાર્યા હતાં.
મેયર મહેન્દ્રસિંહ રાણાની હાજરીમાં યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં ચારણી કથાકાર સુખદેવ ગઢવી, લોક ગાયક નરેશ પંચાલ અને લોક ગાયિકા રાગીણી પંચાલ (સ્વરગુંજન) વગેરે કલાકારોએ દીકરીના અસ્તિત્વ અને સંસ્કૃતિનો મહિમા સમજાવતી વાતો કર્ણપ્રિય લોક ગીતો દ્વારા રજુ કરી હતી. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ દ્વારા સંતાનમાં માત્ર દીકરી ધરાવતાં ગાંધીનગરનાં ૧૨૫ માતા-પિતાનું સન્માન કરાયુ હતું. સંસ્થા દ્વારા તેઓને મોમેન્ટો, પ્રમાણપત્ર અને દીકરીનો મહિમા સમજાવતી કીટ આપવામાં આવી હતી. કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
સુખદેવ ગઢવીએ દીકરીની ગાથા રજુ કરતાં જણાવ્યું કે દિકરો વારસ છે, તો દીકરી પારસ છે. દિકરો તન છે, તો દીકરી મન છે. દિકરો આગ છે તો દીકરી ભાગ છે. આ દુનિયા દશ રંગી છે, ત્યારે દીકરી એક રંગી છે. દીકરી હંમેશા માતા-પિતાની સેવા કરવા તત્પર હોય છે અને સતત ચિંતીત હોય છે.
તેમણે એમ પણ કહ્યું કે જેના ઘરે દીકરી નથી તેમણે સમાજની, કુટુંબની કે કોઇ પણ ગરીબ પરિવારની દીકરીનું કન્યાદાન કરવુ જોઇએ. દીકરીનું કન્યાદન કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને ખુશીઓ લહેરાય છે. દીકરી પિયર, મોસાળ અને સાસરી એમ ત્રણ કુળને તારે છે. આ સાંભળી હાજર દીકરીઓના મા-બાપની આંખો ભરાઇ આવતાં હોલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. કાર્યક્રમમાં જેસીઆઇ ઝોન પ્રમુખ અશ્વિન ચંદારાણા, શહેર પ્રમુખ સાિત્વક ત્રિવેદી, રાહુલ મહેતા, કેતન ભાવસાર, રૂચિતા શાહ, નિકુંજ શુક્લા સહિત સંસ્થાના કાર્યકરો હાજર રહ્યાં હતાં.