આયોજનની બેઠકમાં ચારે તાલુકાને નગરપાલિકાનાં કામોને બહાલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં ૧પ૦ લાખ, માણસામાં ૧૦૦ લાખ, દહેગામમાં ૧પ૦ લાખ અને કલોલમાં ૧પ૦ લાખ ખર્ચાશે

ગાંધીનગર જિલ્લાનાં પ્રભારી અને રાજ્યના નાણા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ચારે તાલુકા અને ચાર નગર પાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન કરવાના માળખાકિય સુવિધાના કામોને બહાલી આપવામાં આપવામાં આવી હતી. તેમાં ગાંધીનગરમાં ૧પ૦ લાખ, માણસામાં ૧૦૦ લાખ, દહેગામમાં ૧પ૦ લાખ અને કલોલમાં ૧પ૦ લાખ ખર્ચાશે. જ્યારે પેથાપુર, દહેગામ, માણસા અને કલોલ નગરપાલિકા વિસ્તારમાં ૧૦૭.૧૦ લાખના કામ કરવામાં આવશે.

બેઠકમાં અધિકારીઓને સંબોધતાં મંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે જિલ્લામાં નમુનારૂપ બને તેવા શિક્ષણ અને આરોગ્ય સેવા સંબંધિ લોક હિ‌તના કામોને અગ્રતા આપવી જોઇએ. તેણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, મોટી શાળા અથવા મોટા ધાર્મિ‌ક સ્થળ જ્યાં વધુ સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય ત્યાં ટોઇલેટ બ્લોક્સ બનાવવા, મોટા શેડ અથવા કોમ્યુનિટી હોલ બાંધવા જેવા કામ ઉપરાંત શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા, દવાખાનામાં સોનોગ્રાફી મશીન મૂકવા જેવા કામને પ્રાધાન્ય આપવું જરૂરી છે. તેમણે આવા કામ માટે રૂ. ૧.પ૦ કરોડના કામોની દરખાસ્ત તૈયાર કરીને રજુ કરવા જણાવ્યું હતું.

આજ સુધીના કામની સમીક્ષા બાદ વાર્ષિ‌ક આયોજનમાં ચારે તાલુકા માટે મળીને વિવેકાધિન જોગવાઇના ૩.૬૮ કરોડની સામે ૪.૭૧ કરોડના કામને, ખાસ અંગભૂત યોજનામાં ૪પ લાખની સામે પ૦.૧પ લાખનાં, પ્રોત્સાહક જોગવાઇ હેઠળ પ૦ લાખની સામે ૬૭.પ૦ લાખ અને ખાસ ભૌતિક પછાત વિસ્તારમાં ૧૨ લાખની જોગવાઇ સામે ૧૩.૨૦ લાખના ખર્ચના કામને મંજુરી આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા પંચાયત તરફથી ટીંટોડા અને કુડાસણ ગામે આયુર્વેદિક દવાખાના ખોલવા કરાયેલી દરખાસ્ત પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.