• Gujarati News
  • Congress Decalres Candidates For Upcoming By Poll In Gujarat

ચૂંટણી જંગઃ કોંગ્રેસે છ બેઠક માટે નામ જાહેર કર્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-દિલ્હી હાઈકમાન્ડે ઉમેદવારોના નામ જાહેર કર્યા : ભાજપ દ્વારા ટૂંકમાં ઉમેદવારોના નામ જાહેર કરાશે
-ત્રણ બેઠકો પર કોંગ્રેસના આગેવાનોના પરિવારને ટિકિટ અપાઈ

ગુજરાતની લોકસભાની બે બેઠક બનાસકાંઠા તથા પોરબંદર તેમ જ વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી તા.બીજી જૂનના રોજ યોજાવાની છે. આ છ બેઠકો પરના ઉમેદવારોના નામો કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં રવિવારે સાંજે જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાનમાં ભાજપના ઉમેદવારોના નામોની જાહેરાત પણ ટૂંકમાં કરી દેવાય તેવી શક્યતા છે.

કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે ક્રિષ્નાબેન મુકેશભાઈ ગઢવી, પોરબંદર લોકસભા બેઠક માટે વિનુભાઈ અમીપરા જ્યારે વિધાનસભાની ચાર બેઠકોમાં મોરવાહફમાં ભૂપેન્દ્રભાઈ બી. ખાંટ, લીંબડી માટે સતીષભાઈ સોમાભાઈ પટેલ, ધોરાજી માટે રાજુભાઈ ત્રિકમભાઈ કોટડીયા અને જેતપુર બેઠક માટે જગદીશભાઈ જી. પાંભરની પસંદગી કરાઈ છે.સ્થાનિક લોકોની સહાનુભૂતિ મળી રહે તે માટે કોંગ્રેસે છ બેઠકોના ઉમેદવારો પૈકી ત્રણ બેઠકો કોંગ્રેસી આગેવાનોના પરિવારના સભ્યોને ફાળવી છે. જ્યારે બાકીની ત્રણ બેઠકો પૈકી પોરબંદરની લોકસભાની બેઠક યુવક કોંગ્રેસના સ્થાનિક આગેવાન તથા પટેલ સમાજની વ્યક્તિને ફાળવી છે.

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ તા.૧૫ મી મે છે. કોંગ્રેસ રવિવારે તા.૧૨મીના રોજ આ ઉમેદવારોના નામો જાહેર કરી દીધાં હોવાથી સોમવારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવે તેવી શક્યતા છે. બનાસકાંઠાની બેઠક સાંસદ મુકેશ ગઢવીનું અવસાન થવાના કારણે અને પોરબંદરની બેઠક પરથી સાંસદ વિટ્ઠલ રાદડિયાએ રાજીનામું આપવાના કારણે ખાલી પડી હતી. વિધાનસભાની મોરવાહડફની બેઠકના ઉમેદવાર સવિતાબેન ખાંટ પરિણામ પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે લીંમડીની બેઠક પરથી સાંસદ સોમાભાઇ પટેલે પાછળથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તો ધોરાજીની બેઠક પરથી વિજેતા થયેલા વિટ્ઠલ રાદડિયા અને જેતપુર બેઠક પરથી વિજેતા થયેલા તેમના પુત્ર જયેશ રાદડિયા સાથે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા.