આરપારની લડાઈમાં હવે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાજપે મંગળવારે છ પેટાચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર કર્યા
- ધોરાજીના ભાજપના ઉમેદવારને ધ્યાનમાં લઇને કોંગ્રેસે ઉમેદવારનું નામ બદલ્યું
- પેટાચૂંટણી :ભાજપ માટે વર્ચસ્વનો તો કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

ગુજરાતની બે લોકસભા તથા ચાર વિધાનસભાની ચૂંટણી તા. બીજી જૂનના રોજ યોજાવાની છે. આ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧પમી મે હોવાથી ભાજપે મંગળવારે છ પેટાચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. આ પેટાચૂંટણીમાં એનસીપી કે જીપીપી દ્રારા ઉમેદવારો ઊભા રાખવામાં અંગે કોઇ જાહેરાત કરી ન હોવાથી ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઇ લડાય તેવી સંભાવના છે. કોંગ્રેસ હસ્તકની તમામ બેઠકોની પેટાચૂંટણી હોવાથી તે હસ્તગત કરવા માટે કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાથી બંને પક્ષો દ્રારા એડીચોટીનો જોર લગાવવામાં આવશે.

જેના કારણે જ ધોરાજીના ભાજપના ઉમેદવારનું નામ જાણ્યા બાદ કોંગ્રેસ રણનીતિ બદલીને ધોરાજીના તેમના ઉમેદવારને બદલીને અન્ય ઉમેદવારની પસંદગી કરી છે.ગુજરાતની બે લોકસભા બનાસકાંઠા તથા પોરબંદર તેમ જ વિધાનસભાની ચાર બેઠકો મોરવાહડફ, લીંબડી, ધોરાજી તથા જેતપુરની પેટાચૂંટણીની બેઠક માટેના નામો કોંગ્રેસ દ્રારા દિલ્હીમાં તા.૧૨મી મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.

જ્યારે ભાજપ દ્વારા મંગળવારે દિલ્હીથી છ પેટાચૂંટણીના નામો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા વિઠ્ઠલ રાદડિયા તથા તેમના પુત્ર જયેશ રાદડિયાને સ્થાન આપીને ભાજપે પોતાનું વચન નિભાવ્યું છે.

કઈ બેઠક પર ક્યા ઉમેદવાર વચ્ચે ખેલાશે રાજકીય લડાઈ

લોકસભાની બે બેઠકો

બનાસકાંઠા

કોગ્રેંસ: ક્રિષ્ના મુકેશભાઈ ગઢવી
ભાજપ : હરિભાઈ પરથીભાઈ ચૌધરી

કોંગી સાંસદ મુકેશ ગઢવીના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર કોંગ્રેસ બેઠક પર કબજો જાળવી રાખવા માટે સ્વ. મુકેશ ગઢવીના પત્નીને જંગમાં ઉતાર્યા છે.

પોરબંદર

કોગ્રેંસ:
વિનુભાઇ અમીપરા
ભાજપ : વિઠ્ઠલભાઇ એચ. રાદડિયા

મૂળ કોંગ્રેસના પાસે જ આ બેઠક હતી. ગત ચૂંટણીમાં ભાજપના મનસુખ ખાચરિયાને કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયાએ ૩૯પ૦૩ મતે હરાવ્યા હતા. હવે વિઠ્ઠલ રાદડિયા જ ખૂદ ભાજપના ઉમેદવાર બનીને મેદાને આવતાં નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે.

વિધાનસભાની ચાર બેઠકો

મોરવાહડફ :

કોંગ્રેસ : ભૂપેન્દ્રભાઈ ખાંટ, ભાજપ: નિમિષા એમ. સુધાર
કોંગ્રેસે તેમના દીકરા ભૂપેન્દ્ર ખાંટને ટિકિટ આપી છે. ભાજપા આ બેઠક પણ ગત વખતે હારેલા ઉમેદવારને બદલે નિમિષાબેન મનહરભાઇ સુધારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

લીંબડી :

કોંગ્રેસ :
સતીષ સોમાભાઇ પટેલ, ભાજપ : કિરીટસિંહ જીતુભા રાણા
સાંસદ સોમાભાઈના રાજીનામાથી ખાલી પડેલી આ બેઠક પર કોંગ્રેસે સાંસદના દીકરા સતીષ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તેની સામે ભાજપે ગત ચૂંટણીમાં ૧પ૬૧ મતે હારી ચૂકેલા કિરીટસિંહ રાણાને પુન: ઉતાર્યા છે.

ધોરાજી :

કોંગ્રેસ : હરિભાઈ પટેલ, ભાજપ : પ્રવીણભાઈ એમ. માંકડિયા
બહુચર્ચિ‌ત આ બેઠક પર કોંગ્રેસે નવા ઉમેદવારને મૂકતા વિવાદ થયો. જેનું નામ બદલવું પડયું. ભાજપે ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારને પસંદ કરવાના બદલે પ્રવીણભાઇ માંકડિયાને ટિકિટ આપતાં ભાજપામાં પણ વિવાદ થયો છે.
જેતપુર :
કોંગ્રેસ : જગદીશ જી. પાંભર, ભાજપ : જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા

ભાજપના જશુબેન કોરાટને પછડાટ આપીને કોંગ્રેસમાંથી ચૂંટાનાર જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી હવે ભાજપના ઉમેદવાર બન્યા છે. જેની સામે કોંગ્રેસે જગદીશ ખાંભરને પસંદ કર્યા છે.

NCPની ધોરાજી બેઠકની માગ કોંગ્રેસે ફગાવી

કોંગ્રેસ અને એનસીપી વચ્ચેના જોડાણના ભાગરૂપે એનસીપી દ્રારા ધોરાજીની બેઠક ફાળવવાની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાસે માંગ કરવામાં આવી હતી. જો કે કોંગ્રેસે આ બેઠક નહીં ફાળવીને એનસીપીની માગને ફગાવી દીધી છે. આ બાબતે એનસીપીના પ્રાદેશિક પ્રમુખ જયંત પટેલ(બોસ્કી)નો મત જાણવા માટેનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

જીપીપી પેટાચૂંટણી નહીં લડે

જીપીપીના મહામંત્રી ગોરધન ઝડફિયાએ બે લોકસભાની બે, વિધાનસભાની ચાર બેઠકની પેટાચૂંટણીમાં જીપીપી દ્રારા યોગ્ય ઉમેદવાર મળશે તો ચૂંટણી લડાવવામાં આવશે તેમ જણાવીને આડકતરી રીતે પેટાચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી હતી. આ ચૂંટણી સંદર્ભમાં જીપીપી દ્વારા કોઈ હિ‌લચાલ પણ કરવામાં આવી નથી.