• Gujarati News
  • CM Instructs The District To Make More Smart Schools

ગાંધીનગર જિલ્લામાં વધુ સ્માર્ટ સ્કૂલો બનાવવા સીએમનું સૂચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીયતપુરાની સરકારી શાળામાં ૪૨ ઇંચના એલસીડી સ્ક્રીન ઉપર આધૂનિક ટેકનોલોજીથી અપાતા અભ્યાસની જાણકારી મેળવી
રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ગાંધીનગર પાસે આવેલા જમીયતપુરા ગામમાં ૪૨ ઇંચના એલસીડી ટીવી સ્ક્રીન સહિ‌તની આધૂનિક ટેકનોલોજી ધરાવતી સરકારી સ્માર્ટ સ્કૂલ જોઇને પ્રભાવિત થયા હતાં અને ગાંધીનગર જિલ્લામાં આ પ્રકારની સ્માર્ટ સ્કૂલોની સંખ્યા વધારવા માટે કલેક્ટરને સૂચન કર્યુ હતું. તેઓએ કેવી રીતે બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે તેની તમામ વિગતો મેળવી હતી. આ ઉપરાંત સ્કૂલના બાળકો સાથે પણ ચર્ચા કરી હતી.

ઉલ્લેખનિય છે કે ગઇ કાલ ૨૭મીને બુધવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગાંધીનગર જિલ્લાના જમીયતપુરા ગામમાં ચાલતી ગ્રામસભાની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયાં હતાં. જ્યાં તેમને જાણવા મળ્યું કે આ ગામની સરકારી શાળા આધૂનિક ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવી છે. જે રાજ્યની એક માત્ર સ્માર્ટ સ્કૂલ છે. આ વાત સાંભળી એક શિક્ષિકા તરીકે આધૂકિ સ્કૂલ વિશેની વધુ જાણકારી મેળવવા તેમણે શાળાની મુલાકાત લીધી હતી અને સ્માર્ટ સ્કૂલના પ્રોજેક્ટની સંપૂર્ણ માહિ‌તી મેળવી હતી. તેઓએ બાળકો સાથે પણ ગોષ્ટી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સાથે જિલ્લા કલેક્ટર પી.સ્વરૂપ, ડીડીઓ વિક્ટર મેકવાન, સ્માર્ટ સ્કૂલનો કોન્સેપ લાવનારા જમીયતપુરાના વતની ગોવીંદભાઇ પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર (ગાંધીનગર દક્ષિણ) સહિ‌તના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

જમીયતપુરામાં સ્માર્ટ સ્કૂલનું સ્વપ્ન પુરુ કરનાર ગોવીંદભાઇ પટેલે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે ગ્રામજનો અને અન્ય સેવાભાવી સંસ્થા તેમજ દાતાઓના સહકારથી સરકારી પ્રાથમિક શાળાને ૧૨ લાખના ખર્ચે સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તીત કરાઇ હતી. સરકારી શાળામાં ભણતા બાળકોને લોક સહકારથી ટેકનોલોજી દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ આપવાના ઉમદા હેતુથી આ પ્રોજક્ટ ઉભો કરાયો હતો.

સી.એમની સૂચના મુજબ અમે આયોજન હાથ ધર્યુ છે : કલેક્ટર પી.સ્વરૂપ

આ અંગે જિલ્લા કલેક્ટર પી.સ્વરૂપનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે જમીયતપુરાની સ્માર્ટ સ્કૂલની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જિલ્લામાં આ પ્રકારની વધુ સ્કૂલો બનાવવાની સૂચના આપી હતી. તેના આધારે અમે આયોજન હાથ ધર્યુ છે. જ્યારે ડીડીઓ મેકવાને જણાવ્યું કે જિલ્લામાં હાલ પાંચ સ્માર્ટ સ્કૂલ બની રહી છે. તે ઉપરાંત વધુ સ્કૂલોને આધૂનિક સ્વરૂપ આપવા મુખ્યમંત્રીએ ધારાસભ્યોની ગ્રાન્ટ ફાળવવાની વાત પણ કરી હતી.

સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટનો હેતુ

બાળકોને વર્ગમાં જ દરેક એકમનું અધ્યયન અને પુનરાવર્તન કોમ્પ્યુટર દ્વારા કરાવવુ. શિક્ષકો અને બાળકોને શૈક્ષણિક સાધનોના બદલે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા કરવા. નિષ્ણાંતો દ્વારા તૈયાર કરાયેલા સાહિ‌ત્યથી બાળકોને ભણાવવાની સ્કિલનો વિકાસ કરવો. ઓછી મહેનતે બાળકોની વારંવાર પરીક્ષા લેવી. તુરંત પરિણામ આપવું. બાળકને નહીં આવડેલા પ્રશ્નના જવાબ તુરંત સ્ક્રીન પર જોવા મળે.

'ગુરુજી ઓનલાઇન’ સોફ્ટેવેરથી ૨ વર્ષમાં પ૨૦ વિદ્યાર્થીઓ ભણ્યાં
૨પ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ શરૂ કરાયેલી સ્માર્ટ સ્કૂલમાં અત્યાર સુધીમાં શાળામાં ધો-૧થી ૮નાં પ૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. દરેક વર્ગમાં વિવિધ વિષયોનું એક જ સમયે અધ્યયન કરાવી શકાય છે. આ માટે 'ગુરુજી ઓનલાઇન’ સોફ્ટેવેર બનાવવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને અધ્યયન, પુનરાવર્તન અને સ્વમુંલ્યાંકનને મહત્વ આપવામાં આવ્યું છે.