માણસામાં ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વાવર ફેલાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાંધીનગરની આજુબાજુના તાલુકા અને ગામડાઓમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો કેર

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ જોવા મળતાં પ્રજામાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે. ગંભીર પ્રકારના રોગે માથુ ઉંચકતાં વૃધ્ધોમાં ગભરાટ ભેલાયો છે. જો કે દિવાળીના તહેવારોમાં સરકારી અને ખાનગી દવાખાનામાં તબીબોની પાંખી હાજરીના કારણે દર્દીઓને સારવાર માટે ફાંફા પડયાં હતાં. જો કે હાલમાં તમામ ૬થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિ‌તી અનુસાર માણસા શહેરના કેટલાક વિસ્તારોમાં દિવાળીના તહેવારો ટાંણે ચિકનગુનિયાએ ભરડો લેતાં ઘેર ઘેર દર્દીઓના કાટલા જોવા મળી રહ્યાં છે. શહેરની અલકાપુરી સોસાયટીના એક ઘરમાં એક જ પરિવારના પાંચ સભ્યો ચિકનગુનિયાની લપેટમાં આવી ગયાં હતાં. તે ઉપરાંત દિવાળીના તહેવારોના આરંભે જ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા સજ્જનપુરા વાસમાં એક જ લાઇનમાં મકાન ધરાતાં ૬ વ્યક્તિઓ ડેન્ગ્યૂના ભરડામાં સપડાયાં હતાં. તેમનો મેડિકલ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી સજ્જનપુરાના રહીશોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડેન્ગ્યૂના ૪ દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં છે. તો અન્યને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયાં છે. ઘટનાની જાણ થતાં માણસા પાલિકાના પ્રમુખ ગોવિંદભાઇ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે દોડી ગયાં હતાં. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પણ દોડતા થઇ ગયાં હતાં. તેમના દ્વારા કોઇ યોગ્ય પગલા ભરવામાં નહીં આવતાં લોકોમાં સરકારી તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનિય છે કે, ૩ માસ પહેલાં માણસા પાસે આવેલા ઇન્દ્રપુરામાં બે વ્યક્તિને ડેન્ગ્યુ થયો હતો. તે પૈકી એક યુવતીનું મોત થયું હતું. તે અગાઉ ગત વર્ષે ચોમાસા દરમિયાન માણસા શહેર અને આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના અનેક કેસ બન્યાં હતાં.તેમ છતાં સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા આ વર્ષે કોઇ આગોતરૂ આયોજન કરવામાં ન આવતાં અને રોગચાળો ડામવા ગંદકી દૂર કરવામાં તેમજ દવાનો છંટકાવ કરવાના ઉદાસીનતા દાખવાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

- મને ખબર નથી, હમણાં જ પગલાં ભરાવું છું : જિલ્લા આરોગ્ય અધિકારી

માણસામાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સ્થિતિ અંગે પૂછપરછ કરાંતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડી.સી જાગાણીએ કહ્યું હતું કે, આ અંગે મને કાંઇ ખબર નથી. પરંતુ હમણાં જ તપાસ કરીને પગલા ભરાવું છું. જો કે માણસામાં નગરપાલિકા હોવાથી પ્રાથમિક જવાબદારી તેમની આવે છે. તેમની બેદરકારીના કારણે આમ બન્યુ હોવુ જોઇએ. તેમ છતાં રોગચાળો ફેલાય તે પહેલાં તેને નિયંત્રણમાં લેવા તમામ પ્રકારના પગલાં તાકિદે ભરવામાં આવશે અને જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.