સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનાં આક્ષેપ બાદ વિદ્યાર્થીને રસ્ટિકેટ કરાતાં હંગામો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાંધીનગરની હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિ‌ટયૂટના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું
- નિયમાનુસાર કાર્યવાહી કરાઈ છે- પ્રિન્સિપાલ ચેટરજી


ગાંધીનગરનાં રાયસણ ગામ પાસે આવેલી હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિ‌ટયૂટમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનાં આક્ષેપ સાથે કોલેજમાંથી કાઢી મૂકવાની વાતે બુધવારે મોડી સાંજે હંગામો મચી જતાં પોલીસને બોલાવવી પડી હતી. જ્યારે રસ્ટિકેટ થયેલા વિદ્યાર્થીએ પોતે નિર્દોષ હોવાનું તથા કોઇપણ જાતનાં ટેસ્ટ માટે તૈયાર હોવાનું જણાવતાં મામલો ગરમાયો હતો. જો કે આ બાબતમાં અંદરોઅંદર સમાધાન થઇ જવાની સ્થિતિનાં પગલે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ નહોતી અને પોલીસ પણ પરત ફરી હતી.

હોટેલ મેનેજમેન્ટની કોલેજમાં અભ્યાસ કરતાં ભાવનગરનાં એક વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનાં આરોપસર કોલેજમાંથી કાઢી મૂકાતા કોલેજમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જેનાં પગલે કોલેજ તંત્રએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ રસ્ટિકેટ કરાયેલા વિદ્યાર્થીએ પોતે નિર્દોષ હોવાનું જણાવી કોઇ અંગત અદાવતનાં પગલે પોતાની સામે આ પ્રકારનો આરોપ મૂકાયો હોવાનું જણાવ્યું હતું. હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં બા બાબતને લઇને બુધવારે સાંજે હંગામો મચી ગયો હતો.

આ અંગે કોલેજનાં પ્રિન્સિપાલ ચેટરજીનો સંપર્ક કરતાં તેઓએ પોતાની પાસે આવેલી ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસ ફરિયાદ ન કરવા બાબતે પૂછતાં રસ્ટિકેટ કરેલાં વિદ્યાર્થીનું કરિયર ખરાબ ન થાય તે હેતુસર પોલીસ ફરિયાદ ન કરી હોવાનું જણાવ્યું હતું.