પાટનગર અગનગોળામાં : રેકર્ડ બ્રેક ૪૪ ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક યુવાનનું મોત : મે ૨૦૧૩માં ૪૩.૮ ડિગ્રી બાદ સૌથી વધુ તાપમાન નોંધાયું બપોરે સેક્ટરો અને રસ્તા પર કુદરતી સંચારબંધી લાગી

રાજ્યનું પાટનગર ગાંધીનગર છેલ્લા ત્રણ દિવસથી અગન જ્વાળામાં લપેટાઇ ગયુ છે. તેમાં એ આજે બુધવારનો દિવસ તો જાણે આખુ શહેર અગનગોળામાં લપેટાયુ હોય તેવી કાળઝાળ ગરમીએ લોકોના હાલ-બેહાલ કરી દીધા હતાં. પાટનગરના ઇતિહાસમાં ગરમીનો પારો આટલો ઉંચો ૪૪ ડિગ્રીએ અગાઉ ક્યારેય નોંધાયો નથી. આમ પાટનગરમાં નોંધાયેલી રેકોર્ડબ્રેક ગરમીએ એક યુવાનનો ભોગ લીધો હતો. જેનાં કારણે શહેરીજનો રીતસરના શેકાઇ રહ્યા હોય તેવો અહેસાસ થયો હતો. બપોરના સમયે સેક્ટરોની વસાહતોના ઘર બંધ જોવા મળ્યાં હતાં અને રસ્તા ઉપર જાણે કુદરતે સંચારબંધી લાદી હોય તેમ રસ્તા અને સેક્ટરો સુમસામ થઇ ગયેલા ભાસતા હતાં.

ભર બપોરના સમયે તો ટૂ વ્હાલર પર પસાર થતી વખતે ગરમ લ્હાય પવનથી ચાંમડી શેકાઇ રહી હોય તેવો અનુભવ થતો હતો. અંગ દઝાડતી કાળઝાળ ગરમીએ પાટનગરવાસીઓને જાણે બાનમાં લીધા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ અગાઉ તા.૧૮-૦પ- ૨૦૧૩ના રોજ મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રીએ પહોંચ્યુ હતું.તે પછી આજે સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. કાળઝાળ ગરમીથી વૃધ્ધો, બાળકો અને દર્દીઓ વધારે મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં. સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર શનિવારે ગાંધીનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.પ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે પ૩ ટકા અને સાંજે ૧૮ ટકા જોવા મળ્યુ હતું. ગઇ કાલે શુક્રવારે લઘુત્તમ તાપમાન ૪૩.પ નોંધાયુ હતું. આજે કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ તાલુકાના ગ્રમ્ય વિસ્તારોમાં પણ લોકો કાળઝાળ ગરમીથી અકળાઇ ઉઠયાં હતાં.

માથું ઢાંક્યા વગર બહાર નિકળનારા તોબા પોકારી ગયાં

માથે ટોપી અને ચહેરા ઉપર રૂમાલ બાંધ્યા વગર ઘરની બહાર નિકળેલા લોકો તો તોબા પોકારી ગયાં હતાં. તો બીજી તરફ પશુ અને પંખીઓ ઉપર પણ કાળઝાળ ગરમીની માઠી અસર વર્તાઇ હતી. ભર બપોરે પક્ષીઓ પોતાના માળામાં ભરાઇ રહ્યાં હતાં. તાપમાનમાં વધારો થતાંની સાથે જ લૂનું આક્રમણ પણ અસ્હય બન્યુ હતું. જેનાં કારણે સનસ્ટ્રોકના સકંજામાં અનેક લોકો સપડાયા હતાં. દવાખાના અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુને વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે.

બગીચામાં કામ કરતો યુવાન મોતને ભેટયો

લૂનું આક્રમણ અસહ્ય લાગતાં બપોરના સમયે તો રસ્તા ઉપરથી પસાર થવું પણ દોહ્યલુ બન્યુ હતું. તેવા સમયે શહેરના સેક્ટર-૨૦માં આવેલા એક ખાનગી બગીચામાં માળીનું કામ કરતાં દશરથજી અમરાજી ઠાકોર (ઉં-૩૬, રહે-બોરીજ) આજે બપોરના સમયે માથે ગરમી ચઢી જતાં બગીચામાં બેભાન થઇ ગયો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જો કે મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે. પરંતુ પ્રાથમિક તારણ ગરમીથી તેનું મોત થયુ હોવાનું કહેવાય છે.

ગરમ પવન ફૂંકાતો રહ્યો

સવારથી ગરમીએ પોતાનો મિજાજ દેખાડવાનો શરૂ કરૂ દીધો હતો. તે પછી તો બપોરના ૧૨થી ૪ વાગ્યા સુધીનો સમય જાણે શહેર આખુ અગનભઠ્ઠીમાં સેકાતુ હોય તેમ ચાંમડી બળતી હોવાનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. દિવસભર ગરમ લૂ ઓકાતી રહી હતી. તે છેક સાંજ સુધી ગરમ પવન ચાંમડીને દઝાડી રહ્યો હતો.