રાજ્યના પુરવઠા વિભાગ પર કાળાબજારિયાઓનો કબજો: કોંગી સભ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભામાં કોંગી સભ્યોએ ગરીબો માટેની સામગ્રી બારોબાર પગ કરી જતી હોવાનો આક્ષેપ કર્યો

રાજ્યના ગરીબોને અનાજ સહિ‌તની સામગ્રી પૂરી પાડતા પુરવઠા વિભાગ પર કાળાબજારિયાઓએ કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. દિલ્હી જઈને ગ્રામ સચિવાલયની વાતો કરતાં ભાજપના રાજમાં તલાટીથી માંડીને જિલ્લા વિકાસ અધિકારીઓની જગ્યા ખાલી હોવાથી ગ્રામવાસીઓ અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે એમ કોંગ્રેસના ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું છે.

વિધાનસભામાં પંચાયત અને પુરવઠા વિભાગની ચર્ચામાં ભાગ લેતાં શેખે સીધો આક્ષેપ કરતાં કહ્યું કે, ગરીબોની સેવા માટેનો પુરવઠા વિભાગ રાજકીય અખાડો બની ગયો છે. આ વિભાગ ભાજપના કાર્યકરોને સાચવવા માટેનું એક સાધન બની ગયો છે. કેરોસીનમાં 'કટકી’ થાય છે અને ચોખા તથા ઘઉંનો જથ્થો બારોબાર વેચી મારવામાં આવે છે. ઉંધાડે આકરા પ્રહાર કરતાં કહ્યું કે, મેલી મથરાવટી ધરાવતી આ સરકાર બીજાને ભ્રષ્ટ કહીને પોતાને ઈમાનદાર ગણાવે છે પરંતુ સરકાર બીજા સામે આંગળી ચિંધતી વખતે અરીસામાં જોવાનું ભૂલી જાય છે. પંચાયત વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે. રેશનકાર્ડના અભાવે લાખો ગરીબો જીવન નિર્વાણ કરવું મુશ્કેલ બની ગયું છે.

ભાજપના મળતિયા ૧૩ ટ્રક લોટ 'ખાઈ’ ગયા

અમરેલીનો દાખલો ટાંકતાં ઉંધાડે કહ્યું કે, બ્રેડ ખવાય, રોટલી અન બિસ્કીટ ખવાય પરંતુ ભાજપના કેટલાક આગેવાનો ૧૩-૧૩ ટ્રક લોટ 'ખાઈ’ ગયા. ગરીબોના પેટમાં જતું અનાજ, કેન્દ્રની સહાયથી અપાતું અનાજ ભાજપના આગેવાનો ખાઈ ગયા છે પરંતુ તત્કાલીન પુરવઠા અધિકારી સહિ‌તના જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.