• Gujarati News
  • Bhadbhoot Barej Yojana Comes Into Dispute Before It Get Started

પ્રારંભે ડખો - ભાડભૂત બેરેજને નડશે વિવાદની ‘ખારાશ’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘ટૂંક સમયમાં શરૂ થશે ટેન્ડર પ્રક્રિયા’ એવી મુખ્યમંત્રીની જાહેરાત સાથે વિવાદ શરૂ
એનજીઓ કહે છે - હજી કાંઇ ઠેકાણાં નથી
સરકારી તજજ્ઞો કહે છે - અમે નક્કર કામ કરીએ છીએ

નર્મદા નદી પર અંદાજે રૂ. ૪ હજાર કરોડના ખર્ચે આકર થનારો ભાડભૂત બેરેજ બનાવવા હવે ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ જશે તેવી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતાંની સાથે થતાંની સાથે જ વિવાદ ઊભો થઇ ગયો. આ યોજના મધ્ય ગુજરાત માટે ખરેખર આશીર્વાદ સમાન બની રહી હોવાનો દાવો થઇ રહ્યો છે. જ્યારે એનજીઓ તો કહે છે કે, આ યોજનાના કોઇ જ ઠેકાણા નથી, માત્ર કાગળ પર જ વાતો થઇ રહી છે.

ખંભાતના અખાત પર આકાર લઇ રહેલી કલ્પસર યોજનાના ભાગરૂપે જ બનનારા આ બેરેજ માટેની ટેન્ડર પ્રક્રિયા જો આ વર્ષના અંત સુધીમાં પૂરી થાય તો આખો પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂરો કરવાનો સરકારી તજજ્ઞોનો દાવો છે. જ્યારે કેટલાક સ્વૈિચ્છક સંગઠનો તો આ યોજના શક્ય જ નહીં હોવાનું જણાવી રહ્યા છે. આમ શરૂ થાય તે પહેલા તો વિરોધનો સૂર પણ શરૂ થઇ ગયો છે.

જો કે, સરકાર તજજ્ઞો તો આ પ્રોજેક્ટને સ્ટેન્ડ અલોન (સ્વતંત્ર પ્રોજેક્ટ) તરીકે ઓળખાવી રહ્યા છે. તેનાથી કલ્પસરને ફાયદો થશે, પરંતુ કલ્પસર સાથે કોઇ લેવાદેવા નથી. વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનો ચોક્કસ ફાયદો થશે. સરદાર સરોવર પ્રોજેક્ટમાંથી છોડવામાં આવતા પાણીનો જથ્થો આ વિસ્તારનાં રહીશો િંસચાઇ, ઘરગથ્થું તથા ઔધ્યોગિક ઉપયોગ માટે કરી શકશે. જ્યારે સ્વૈિચ્છક સંગઠનો તો આ પ્રોજેક્ટ માત્ર વાતો જ હોવાનું કહી રહ્યા છે.

શા માટે ભાડભૂત બેરેજ બનશે?
ભરૂચ નજીક આવેલા દરિયાના ભરતીના પાણી નર્મદા નદીમાં છેક શુક્લતીર્થ સુધી ધસી આવતા હોય છે. જેના કારણે નર્મદાનું મીઠંુ પાણી ખારંુ થઇ ગયું હોવાની ઘટનાઓ છાશ વારે બનતી રહી છે. જેના કારણે જમીનના મૂળિયા સુધી જળસ્તર પણ ખારંુ બની ગયું હોવાની ફરિયાદો ઊઠતી આવી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ વિસ્તારમાંના રહીશો છેલ્લા બે-ત્રણ દાયકાથી લડતા આવ્યા છે. આ પાણીને અટકાવવા માટે નર્મદાના નદીના પટ પર બેરેજ બનાવવા માટેનું આયોજન છે.

વિશાળ જળ સરોવર બનશે
૫૦૦ મિલિયન કયુબિક મીટર મીઠા પાણીનો સંગ્રહ કરતું વિશાળ જળસરોવર બનશે. દમણગંગા ડેમ તેમજ અનેક મોટા ડેમ કરતાં તેમની ક્ષમતા અનેક ગણી મોટી રહેશે.

કેવો હશે બેરેજ?
૧૬૬૩ મીટર બેરેજની લંબાઇ
૩૦ મીટર બેરેજ પર ૬ માર્ગીય રસ્તાની પહોળાઇ
૩૦ મીટર નદીની બંને બાજુએ પાળાની ટોપની પહોળાઇ
૬.૯૦ કિમી એપ્રોચ પાળાની લંબાઇ (જમણી બાજુ)
૭.૩૧ કિમી ડાબી બાજુ
૨૪.૦૫ કિમી સંરક્ષણાત્મક પાળાની લંબાઈ ડાબી બાજુ
૯૦ દરવાજાઓની સંખ્યા

કલ્પસરનું આયુષ્ય ૪૫૦ વર્ષ વધી જશે
કલ્પસર હેઠળ બનાવવામાં આવનારા સરોવરમાં ખંભાતના અખાતમાં વહી જતા ગુજરાતની ૧૪ નદીના પાણીનો સંગ્રહ કરાશે. આ બેરેજના કારણે નર્મદાના પાણીના કાંપમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેનાથી કલ્પસરનું આયુષ્ય ૪૫૦ વર્ષ વધી જશે. - બાબુભાઈ નવલાવાલા, મુખ્યમંત્રીના સલાહકાર

રિપોર્ટના જ ઠેકાણા નથી
કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય તરફથી પર્યાવરણ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની સંમતિની કાર્યવાહી નથી થઈ. ફિઝિબિલિટી રિપોર્ટના જ ઠેકાણા નથી ત્યારે ટેન્ડર પ્રક્રિયા કરવી શક્ય નથી. - પીયુસીએલ, ગુજરાત સોશિયલ વોચ(એનજીઓ)