ગાંધીનગરમાં ૯૨૩, કલોલ ૩૯૪, દહેગામ ૩૧૭ કરોડનું ધિરાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લીડ બેંકની બેઠકમાં પ્રાથમિકતાના ક્ષેત્રે જિલ્લામાં ૧૯૦૨ કરોડના ધિરાણ કરવા નિર્ણય લેવાયો

ગાંધીનગર જિલ્લા માટે તમામ ક્ષેત્રોની બેંક દ્વારા ૨,૧૭૬.પ૬ કરોડ રૂપિયાનો ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત પ્રાથમિકતાના ક્ષેત્રે જિલ્લામાં રૂ. ૧,૯૦૨.૨૮ કરોડના ધિરાણ આપવા નિર્ણય લેવાયો હતો. કલેક્ટર પી સ્વરૂપે જણાવ્યું કે જિલ્લાના ૪ તાલુકા પૈકી ગાંધીનગરમાં ગાંધીનગરમાં ૯૨૩, કલોલ ૩૯૪, દહેગામ ૩૧૭ અને માણસામાં ૨૬૮ કરોડ રૂપિયાનું ધિરાણ કરવાનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જેના લાભાર્થીઓની સંખ્યા ૧,૦પ,૯૦૭ થવા જાય છે.

ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જુદી જુદી બેંક દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા ઉપરોક્ત પ્લાન પ્રમાણે પ્રાથમિક ક્ષેત્ર માટે કરાયેલી રૂ. ૧,૯૦૨.૨૮ કરોડની ફાળવણીમાંથી ખેતીવાડી માટે રૂ. ૧,૦૨૮.૧૯ કરોડ, નાના લઘુ ઉદ્યોગો માટે ૨૦૩.૪૬ કરોડ અને અન્ય પ્રાથમિકતાના ક્ષેત્રે રૂ. ૬૭૦.૬૩ કરોડના ધિરાણ આપવામાં આવશે. ત્યારે વર્ષ ૨૦૧૩-૧૪ના વર્ષના પ્લાનની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક ક્ષેત્રે કરવાના રૂ. ૧,૬૯૦ કરોડના ધિરાણના લક્ષ્યાંક સામે રૂ. ૧,પ૬૨ કરોડનું ધિરાણ કરવા સાથે ૯૨ ટકા સિદ્ધિ મેળવાયાનું જણાવાયું હતું.

લીડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૩-૧૪માં થાપણોમાં ૧,૮૨૧ કરોડ અને ધિરાણમાં ૨,૦૦૦ કરોડનો વધારો નોંધાયો છે.પ્રાથમિકતાના ક્ષેત્રમાં રૂ. ૪૩૩ કરોડનો વધારો થયો છે. કોમર્શિ‌યલ બેંકોએ ૮૯ ટકા, પ્રાઇવેટ બેંકોએ ૨૪૪ ટકા અને ગ્રામીણ તથા જિલ્લા સહકારી બેંકોએ પ૩ ટકા જેટલી સિધ્ધિ હાંસલ કરી છે.તાલુકા કક્ષાએ ગાંધીનગર તાલુકામાં ૧૦૧ ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો છે. જે વર્ષ ૨૦૧૨-૧૩ની સરખામણીએ ૪૧૯.૬૨ કરોડ વધારે છે.

કઇ યોજનામાં કેટલી સિદ્ધિ મળી
કલેક્ટરે જણાવ્યું કે સરકારની સ્વ રોજગારીની વિવિધ યોજનાઓ પૈકી વાજપાઇ બેંકેબલ યોજનામાં ૧૦૦ ટકા, વડાપ્રધાન રોજગારી યોજનામાં ૯૬ ટકા, સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનામાં ૧૧૭ ટકા, રાજ્ય સરકાર પછાત જાતિ નિગમ યોજનામાં ૨૭ ટકા, મહિ‌લા નિગમની યોજનામાં ૬૨ અને જ્યોતિગ્રામ યોજનામાં પ૦ ટકા સિદ્ધિ મળી છે.

દરેક તાલુકામાં કિસાન ક્રેડિટ કાર્ડ
કૃષિ મહોત્સવ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે બેંકોને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગરમાં ૬૪૧, કલોલમાં ૨૮પ, માણસામાં ૧પપ અને દહેગામ તાલુકામાં ૧૧૯ કાર્ડ આગામી એક પખવાડિયામાં આપવામાં આવશે.