લીંબોદરામાં ચેકિંગમાં ગયેલી જીઇબીની ટીમ પર હુમલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કલોલ તાલુકા પોલીસે હૂમલાખોર શખ્સોને ઝડપી લેવા હાથ ધરેલી કાર્યવાહી

કલોલ તાલુકાના લીંબોદરા ગામમાં વીજચોરીના ચેકીંગમાં ગયેલી જીઇબીની ટીમ ઉપર હૂમલો કરાયો હતો અને અધિકારીને એક શખ્સે તમાચો જીંકી દીધો હતો. તેમજ ભેગા થયેલા કેટલાક શખ્સોએ લાકડી ઉગામી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જીઇબીની ટીમને સ્થળ છોડી નાસી જવાની ફરજ પડી હતી. આ બનાવથી જીઇબીના કર્મચારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે.

અત્યંત ચોંકાવનારા આ બનાવની વિગતો એવી છે કે કલોલ તાલુકાના કેટલાક ગામની અંદર છેલ્લા ઘણાં સમયથી ઇલેક્ટ્રીકના થાંભલામાંથી ગેરકાયેદે જોડાણો લઇ મોટાપાયે વીજચોરીનું દૂષણ વધી જવા પામ્યું છે. તેવી જાણકારી મળતાં જીઇબીના અધિકારીઓ દ્વારા વિજચેકીંગ કરવા આદેશ કરાયો હતો. તેનાં પગલે જીઇબીના કર્મચારીઓની એક ટીમ બનાવી ચેકીંગ ઝંબેશ હાથ ધરવામાં આવી છે.

દરમિયાન તાલુકાના લીંબોદરા ગામે જીઇબીના અધિકારીઓ પોતાની ટીમ સાથે ખેતરોમાં ગેરકાયદેસર વિજ જોડાણના ચેકીંગ માટે ઉમટી પડયાં હતાં અને કયા થાંભલામાંથી કોણે ગેરકાયદે જોડાણ લીધુ છે તેની તપાસ હાથ ધરી હતી. આ ટીમ લીંબોદરામાં રહેતા હરિશસિંહ લક્ષ્મણસિંહ રાણાના ખેતરમાં તપાસ કરવા ગઇ હતી. ત્યારે લક્ષ્મણસિંહ અને તેના સાથીદારોએ જીઇબી અધિકારી મહેન્દ્રકુમાર ઇશ્વરલાલ પટેલના ગાલ ઉપર એકાએક લાફો ઝીંકી દીધો હતો. તેમજ હાથમાં લાકડી લઇ હૂમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

લક્ષ્મણસિંહ સાથે હૂમલો કરવાનો પ્રયાસ તેમના અન્ય સાગરીતોએ પણ કર્યો હતો. પરિસ્થિતિ પામી ગયેલા જીઇબીના અધિકારીને પોતાની ટીમ સાથે ઘટનાસ્થળેથી નાસી જવાની ફરજ પડી હતી. દરમિયાન જીઇબી અધિકારી મહેન્દ્રકુમાર ઇશ્વરલાલ પટેલે ફરજમાં અડચણ કરી હુમલો કરનાર હરિસિંહ અને તેમના સાથીદારો સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેનાં આધારે પોલીસે ગુનો દાખલ કરીને ડી.બી. વાળાએ વધુ તપાસ હાથ ધરી છે.

હૂમલો કરનારા તત્વોને ઝડપી લેવાશે : પીઆઇ

આ ઘટના અંગે તાલુકા પીઆઇ બી.એન દવેએ જણાવ્યું હતું કે સરકારી અધિકારી કે કર્મચારી ઉપર હૂમલો કરનારા તત્વોને સાંખી લેવાશે નહીં. ગમે તેમ કરીને આવા તત્વોને ઝડપી પાડવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવમાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં ઘટનાસ્થળનું પંચનામુ કરી સાક્ષીઓને સાથે રાખી વધુ તપાસ ચાલી રહી છે.