ખોરજ કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગાંધીનગર ફાયર બ્રિગેડે મૃતદેહ કાઢીને અડાલજ પોલીસને સોપ્યો
ગાંધીનગર તાલુકાનાં ખોરજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઇ અજાણ્યા યુવાનનો મૃતદેહ તરી રહ્યો હોવાની માહીતી અડાલજ પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે સ્થળ પર પહોચી જઇને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢીને તેના વાલી વારસ અંગે શોધખોળ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા નર્મદા શાખાની કેનાલ સ્યુસાઇટ પોઇન્ટ તરીકે ઓળખાવા લાગી છે. જેની પાછળનું કારણ કેનાલમાંથી છાશવારે મળી આવતા માનવ મૃતદેહો છે. દરમિયાન સોમવારે વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની પ્રાપ્તવિગતોનુંસાર ખોરજ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં એક અજાણ્યા યુવાનનો મૃતદેહ કેનાલ સિક્યુરીટીને જોવા મળતા આ અંગે અડાલજ પોલીસને જાણ કરી હતી.
પોલીસે સ્થળ પર પહોચીને ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયર ટીમે કેનાલ પર પહોચી જઇને મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપ્યો હતો. પોલીસે યુવાનનાં શર્ટ તથા પેન્ટનાં ખીસ્સાની તપાસ કરતા ખિસ્સામાંથી કશુ મળ્યુ નહોતુ. જેના પગલે યુવાનના મૃતદેહને ગાંધીનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મરનાર યુવાન કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
તસવીરો, જગમાલ સોલંકી