ગાંધીનગર : રાજ્યમાં વરસાદ પડે છે, પણ છૂટોછવાયો અને ઝાપટાં કે ઓછો પડે છે. પરિણામે જમીનના તળ ઊંચા આવવા જોઇએ કે ડેમમાં નવા પાણીની આવક થવી જોઇએ તે થઇ શકી નથી. ડેમમાં તળિયાં દેખાવા લાગ્યા છે. આથી રાજ્ય સરકાર ચિંતીત બની છે કે એકબાજુ પાટીદાર, દલિત આંદોલનને અને બીજીબાજુ વરસાદ જો આવી જ રીતે ખેંચાતો રહ્યો અને ઓછી માત્રામાં આવતો રહ્યો તો આગામી ઓગસ્ટ મહિનામાં પાણી અને ઘાસચારાની સ્થિતિ વિકટ બનશે.
જળાશયોમાં પાણીનું સ્તર હજુ પણ નીચે જ છે
રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડે છે, તેમાં પણ મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેતા રાજ્ય સરકાર ચિંતીત બની છે. એક ધારો કે અનરાધાર વરસાદ ન આવતા જળાશયોમાં પાણીની આવક થઇ નથી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે છે એટલે વાવેલા પાકને જીવતદાન મળી જાય છે, પણ એક સામટો વરસાદ ન પડતા નવા પાણીની આવક ડેમમાં થતી નથી.
વળી, વરસાદ હજુ પડે છે, આથી ઘાસચારાની સ્થિતિ પણ જોઇએ તેટલી સારી નથી. આવા સંજોગોમાં હજુ પણ વરસાદ ખેંચાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધારે બગડે તેવા સંકેત સરકારને મળી રહ્યા છે. રાજ્ય સરકાર જુલાઇ મહિનો પૂરો થવાના આડે હવે આઠથી નવ દિવસ બાકી છે ત્યારે આગામી એક સપ્તાહ સુધીમાં જો સારો વરસાદ પડે નહીં તો ઘાસચારો અને પાણીની સ્થિતિ વિકટ થશે તેવું માને છે. ખાસ તો ઘાસચારો પૂરો પાડવો મોટો પ્રશ્ન હોવાથી ઘાસ કયાંથી લાવીશું તે પ્રશ્ન પણ સરકાર માટે શિરદર્દ બન્યો હોવાનું સત્તાવાર સૂત્રોનુું કહેવું છે.
રાજ્યના કયા વિસ્તારના ડેમમાં કેટલું પાણી. જાણવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.