તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજસુધારણા અભિયાન: મોટીભોયણમાં 300 બાળકોને વિદ્યાદાન આપતી ઠાકોર સેના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ક્ષત્રિય ઠાકોર સેનાએ વ્યસન મુક્તિ અભિયાન બાદ ગામના બાળકોને શિક્ષણ આપવાનો માર્ગ અપનાવ્યો
- ગામના આઠ શિક્ષિત યુવકોએ બંધ પડેલી સ્કૂલમાં શરૂ કરી નિશુ:લ્ક સર્વધર્મ શાળા

કલોલ: દેશમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે મોંઘવારીના આ ભરડાએ શિક્ષણને પણ બાકાત રાખ્યુ નથી છે. ઠેર ઠેર શિક્ષણનો વેપલો ચાલી રહ્યો છે ત્યારે કલોલના મોટીભોયણ ગામની ઠાકોર સેનાએ વ્યસનમુક્તિ અભિયાનની સાથે ગામના બાળકોને નિશુ:લ્ક વિદ્યાદાન આપવા સર્વધર્મ શાળા શરૂ કરી છે. ગામના આઠ શિક્ષિત યુવકોએ બંધ પડેલી શાળામાં શરૂ કરેલા આ શિક્ષણયજ્ઞમાં ગામના 1થી 8માં અભ્યાસ કરતા 300 બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે.
આજના ટેક્નોલોજી અને જ્ઞાનના યુગમાં શિક્ષણે વેપારનું સ્થાન લીધુ છે. સરકારી શાળાઓના કથળી ગયેલા શિક્ષણથી બાળકનો વિકાસ રૂંધાય છે. તો અનેક તેજસ્વી બાળકો પૈસાના અભાવે ભણી શક્તા નથી. ત્યારે ગરીબ અને ખેત મજુર પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવુ મા-બાપ માટે દિવા સ્વપ્ન સમાન બની ગયું છે. આર્થિક પરિસ્થિતિ સામે બાથ ભીડી કોલેજ સુધીનું શિક્ષણ પામનારા મોટીભોયણના આઠ યુવાનોએ વિધાદાનનો સંકલ્પ કર્યો. તેને સફળ બનાવવા ધો-1 થી 8 ના બાળકોને મફતમાં ભણાવવા ગામમાં બંધ પડેશી શાળામાં વર્ગો શરૂ કર્યા જેમાં 300 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે.
ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેનાના કલોલ તાલુકાના દિપકભાઇ ઠાકોરે કહ્યું કે કોઇ ગરીબના તેજસ્વી બાળકને ભણાવવા માટે ફી સહીતની આર્થિક મદદ કરવી આજે મુશ્કેલ છે. મિત્રોએ એક પણ પૈસા લીધા વગર બાળકોને ભણાવી વિધાદાન કરવાનો વિચાર અમલમાં મુક્યો હતો. જેમાં 2 યુવાન ડિગ્રી એન્જીનિયરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે અન્ય યુવાનો બી.કોમ અને તેથી વધુના અભ્યાસમાં કરેલો છે.
વિધાદાન દ્રારા તેજસ્વી બાળકોને આગળ લઇ જવાશે
પહેલાના જમાનામાં શ્રેષ્ઠીઓ વિધાદાન માટે શાળા-બાલમંદિરનું નિર્માણ કરતા હતા. આજે અમે સ્કુલ બનાવી ન શકીએ પણ અમે ભણેલા છીએ તો ગરીબ બાળકોને ભણાવીને વિધાદાન આપી શકીએ છીએ તેમ મોટીભોયણના યુવાનોએ જણાવ્યું હતુ. આ શિક્ષણયજ્ઞમાં યુવાનોમાં ઠાકોર દિપકજી અરવિંદજી, ઠાકોર રાહુલજી જયંતિજી, ઠાકોર રણજીતજી બળદેવજી, ઠાકોર હિમ્મતજી રાજેશજી,ઠાકોર મહેન્દ્રજી આત્મારામજી, ઠાકોર જીગરજી કાન્તિજી, ઠાકોર પરબતજી નાગજી, ઠાકોર રાજેશજી જુગાજીએ અનેરૂ બીડું ઝડપ્યું છે.
બંધ પડેલી સ્કુલમાં અભ્યાસના વર્ગો શરૂ કયા

કલોલ તાલુકાના મોટી ભોયણગામમાં જુની શાળાનું મકાન છે,જે બંધ હાલતમાં છે. આ શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે. ધો-1 થી 8 ના 300 જેટલા બાળકોને રોજ સવારે અને સાંજે શિક્ષણ અપાય છે.
શિક્ષણ સામગ્રી માટે આગેવાનોનો સહયોગ

બાળકોને ભણાવવા માટે ચોપડા નોટબુક,અને પેન સહિતનો ખર્ચ ગામના આગેવાનોએ ઉપાડી લીધો છે.તેઓ જરૂર પ્રમાણે દાન કરે છે અથવા શિક્ષણ સામગ્રી પુરી પાડે છે.
વિધાદાનની પ્રવૃતિ અન્ય ગામોમાં પ્રસરાવાશે

મફતમાં શિક્ષણ આપવાની આ પ્રકારની પ્રવૃતિ સતત ચાલુ રાખવામાં આવશે. કલોલ તાલુકાના અન્ય ગામના ક્ષત્રિય-ઠાકોર યુવાનો સાથે મીટીંગ કરી આ પ્રકારના વર્ગો શરૂ કરવામાં આવશે તે માટેના પ્રયાસ ચાલુ કરાયા છે.
અન્ય સમાચારો પણ છે...